અમદાવાદ: ગુજરાત હાઈ કોર્ટે વધુ એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. ચ્યુઇંગ ગમ ખાદ્ય પદાર્થ કે મીઠાઈ ન હોવાથી તેના પર 12.5 ટકાનો વેટ દર માન્ય રાખ્યો હતો. હાઈ કોર્ટે કહ્યું, ચ્યુઇંગ ગમ ભલે તેના મીઠા સ્વાદ માટે ચાવવામાં આવતી હોય, પરંતુ તે કોઈ ખાદ્ય પદાર્થ ન હોવાથી તેને મીઠાઈ કે મિષ્ટાન તરીકે વર્ગીકૃત કરી શકાય નહીં અને તેથી તે નીચા 4 ટકા વેટ સ્લેબ હેઠળ આવતી નથી. કોર્ટે વેલ્યુ એડેડ ટેક્સ ટ્રિબ્યુનલના આદેશ વિરુદ્ધ રાજ્ય સરકારની અપીલ માન્ય રાખી હતી.
ક્યારનો શું મામલો
આ કેસ ફેબ્રુઆરી 2007નો છે. જ્યારે એક કોમર્શિયલ ટેક્સ ઓફિસરે પીપરમીન્ટ, સુગર કેન્ડી, સાકરિયા અને ચ્યુઇંગ ગમ બનાવતી કંપની 'કેડ મેક ચ્યુ ફૂડ્સ'ના પરિસરની મુલાકાત લીધી હતી. રેકોર્ડ્સની ચકાસણી બાદ, વર્ષ 2011માં એસેસિંગ ઓફિસરે કુલ રૂ. 9.83 લાખના ટેક્સની માંગણી ઊભી કરી હતી અને ઠેરવ્યું હતું કે ચ્યુઇંગ ગમના વેચાણ પર 4 ટકાને બદલે 12.5 ટકા વેટ લાગે છે. આ સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
કંપનીએ તેને કોર્ટમાં પડકારી હતી. ડેપ્યુટી કમિશનરે દંડ ઘટાડ્યો હતો પરંતુ ચ્યુઇંગ ગમ પર 12.5 વેટનો દર યથાવત રાખ્યો હતો. ત્યારબાદ કંપની વેટ ટ્રિબ્યુનલમાં ગઈ હતી અને ત્યાં તેને રાહત મળી હતી; ટ્રિબ્યુનલે વેટ એક્ટની એન્ટ્રી ૭૪-એ હેઠળ ચ્યુઇંગ ગમને 'સ્વીટ્સ અને સ્વીટમીટ' (મીઠાઈ) ગણીને તેના પર 4 ટકા ટેક્સ લાગુ કર્યો હતો. વર્ષ 2014માં ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે, આ પ્રોડક્ટ તેના મીઠા રસ માટે વાપરવામાં આવે છે અને તેથી ભલે છેલ્લે રબર થૂંકી દેવામાં આવતું હોય, પણ તે ખાદ્ય પદાર્થ મટી જતું નથી.
રાજ્ય સરકારે આ મામલો હાઈ કોર્ટમાં ઉઠાવ્યો હતો અને દલીલ કરી હતી કે ચ્યુઇંગ ગમ શેષ એન્ટ્રી 87 હેઠળ આવે છે અને તેથી તેના પર ઊંચો ટેક્સ સ્લેબ લાગુ પડે છે. જ્યારે કંપનીએ ટ્રિબ્યુનલના નિર્ણયનું સમર્થન કરતાં જણાવ્યું હતું કે બબલ ગમ મુખ્યત્વે તેના મીઠા રસ માટે વાપરવામાં આવે છે, તેથી ટેક્સ હેતુ માટે તેને મીઠાઈ અને કન્ફેક્શનરી આઇટમ ગણવી જોઈએ.
હાઈ કોર્ટ સમક્ષ સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે એન્ટ્રી 74-એ માં ચ્યુઇંગ ગમનો સ્પષ્ટ ઉલ્લેખ નથી અને વર્ગીકરણ માટે સર્વોચ્ચ અદાલતના સામાન્ય વ્યવહારુ સમજણ (કોમન પાર્લન્સ ટેસ્ટ) સંબંધિત ચુકાદાઓ ટાંક્યા હતા.
ન્યાયાધીશ ભાર્ગવ કારિયા અને ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ટ્રિબ્યુનલના આદેશને રદ કર્યો હતો અને જણાવ્યું હતું કે ટ્રિબ્યુનલનો અભિગમ સર્વોચ્ચ અદાલતના તારણોથી વિપરીત છે, જેમાં ચ્યુઇંગ ગમને ખાદ્ય પદાર્થ ગણવામાં આવી નથી. ખંડપીઠે નોંધ્યું હતું કે, અમારું માનવું છે કે ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ એક્ટ, 2003ના શિડ્યુલ II ની એન્ટ્રી 74-એ હેઠળ ચ્યુઇંગ ગમને સ્વીટ્સ અને સ્વીટમીટ તરીકે કરપાત્ર ગણીને અને પરિણામે વ્યાજ તથા દંડ રદ કરીને ટ્રિબ્યુનલે ભૂલ કરી છે. તેથી, અમે બંને પ્રશ્નોના જવાબો મહેસૂલ વિભાગની તરફેણમાં અને કરદાતાની વિરુદ્ધમાં આપીએ છીએ અને ચ્યુઇંગ ગમને એન્ટ્રી 74-એ હેઠળ 'સ્વીટ્સ અને સ્વીટમીટ' તરીકે વર્ગીકૃત કરી શકાય નહીં તેમ ઠેરવીએ છીએ.