Wed Jul 01 2026

Logo

આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, કોંગ્રેસની વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ

2026-02-16 09:05:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની આજથી શરૂઆત થશે. આજે બપોરે 12 વાગ્યે પ્રથમ બેઠક મળશે. રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે. રાજ્યપાલના સંબોધન બાદ વિરામ બાદ ફરી બેઠક શરૂ થશે. રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ થશે. આભાર પ્રસ્તાવ રજૂ થયા બાદ શોક દર્શક ઉલ્લેખ ગૃહમાં રજૂ થશે. વિધાનસભાનું સત્ર 23 દિવસ સુધી ચાલશે અને બુધવારે નાણા પ્રધાન કનુ દેસાઇ બજેટ રજૂ કરશે. નાણા પ્રધાન સતત પાંચમી વાર બજેટ રજૂ કરશે.

 મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ ગૃહના સ્વર્ગસ્થ સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવી શોક દર્શક ઉલ્લેખ ગૃહમાં મુકશે. વિપક્ષ તથા શાસક પક્ષા સિનિયર સભ્યો ટેકો આપશે. ગુજરાત દુકાન અને સંસ્થા(રોજગાર નિયમન અને સેવાની શરતો) સુધારા વટહુમક સંદર્ભે નિવેદન ગૃહ સમક્ષ આપશે. નાણાંકીય નિગમ, મહિલા આયોગ, ગુજરાત ખનીજ વિકાસ નિગમ સહિત વિવિધ વિભાગોનું અહેવાલ ગૃહમાં રજૂ થશે.  

વિધાનસભા સત્ર અગાઉ ભાજપ ધારાસભ્યોની બેઠક મળશે અને સત્ર દરમિયાન રજૂ થનારા બિલોની માહિતી અપાશે, બજેટની જોગવાઈઓ અંગે માહિતગાર કરાશે જેમાં મુખ્ય પ્રધાન,નાયબ મુખ્ય પ્રધાન અને પ્રદેશ અધ્યક્ષ હાજર રહેશે અને સરકારના તમામ પ્રઘાન, ધારાસભ્યો હાજર રહેશે, વિધાનસભા ખાતે 10 વાગ્યે બેઠકનું આયોજન કરાયું છે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, સત્રના પહેલાં દિવસે ગુજરાત કોંગ્રેસે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે જનઆક્રોશ સભા યોજીને સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે, થોડાક દિવસ પહેલાં જ વિપક્ષે વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી, આ સભામાં ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે, એસઆઈઆરને લઈને લોકોના મતાધિકાર છિનવવા પ્રયાસ, બેફામ ભ્રષ્ટાચાર, મોંઘવારી, મોંઘું શિક્ષણ સહિતના પ્રશ્નો ઉજાગર કરવામાં આવશે.