Fri Apr 17 2026

Logo

અમદાવાદમાં ગુજરાત સામે મુકાબલોઃ કોલકાતા આજે વિજયી શ્રીગણેશ કરી શકશે?

2026-04-17 18:39:12
Author: Ajay Motiwala
Article Image

અમદાવાદઃ અહીં આજે શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ (GT) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે મુકાબલો છે અને એમાં વિજય મેળવીને ગુજરાત વિજયીપથ પર આગળ વધવા માગશે, જ્યારે કોલકાતાની ટીમ આ વખતે પહેલી વખત વિજય માણવા કોઈ કસર બાકી નહીં રાખે. ગુજરાતની ટીમ ચાર દિવસના આરામ બાદ ફરી મેદાન પર ઊતરશે, જ્યારે કોલકાતાના ખેલાડીઓની ચાર દિવસમાં આ બીજી મૅચ છે.

કોલકાતાની સૌથી મોટી કઠણાઈ

શુભમન ગિલની કૅપ્ટન્સીમાં ગુજરાતની ટીમ ચારમાંથી બે મૅચ જીતી છે, જ્યારે અજિંક્ય રહાણેના સુકાનમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ અનિર્ણીત મૅચને લીધે મળેલા એકમાત્ર પૉઇન્ટ સાથે 10 ટીમની યાદીમાં સાવ તળિયે છે અને એવામાં એણે ગણતરીના દિવસોમાં ઉપરાઉપરી મૅચો રમવી પડી છે.

મંગળવારે આ ટીમ ચેન્નઈમાં ગરમી અને ભેજવાળા વાતાવરણમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમી અને હારી ગઈ, શુક્રવારે કોલકાતાના ખેલાડીઓએ ગુજરાત સામે અમદાવાદના ઉષ્ણ વાતાવરણમાં રમવાનું છે અને રવિવારે કોલકાતાની ટીમ રાજસ્થાન સામે ઈડન ગાર્ડન્સમાં ફરી ભેજવાળા હવામાનમાં રમશે. આમ, રહાણે ઍન્ડ કંપનીએ છ દિવસમાં ત્રણ અલગ વાતાવરણમાં રમીને સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

નામ મોટા, પણ પર્ફોર્મન્સ નબળા

કોલકાતાના ખેલાડીઓ જાણે છે કે આજે પણ તેઓ હારી જશે તો ડુ-ઑર-ડાયની સ્થિતિમાં આવી જશે. આ સીઝન રમીને 25.20 કરોડ રૂપિયા મેળવનાર ઑસ્ટ્રેલિયાનો કૅમેરન ગ્રીન સદંતર નિષ્ફળ જઈ રહ્યો છે. બહુ ગાજેલો ફિન ઍલન પણ મૅચ-વિનિંગ નથી રમી શક્યો. રિન્કુ સિંહ અને રમણદીપ સિંહ પણ ધાર્યા જેવું ધમાકેદાર નથી રમ્યા. હરીફ ટીમોને વૈભવ અરોરા અને કાર્તિક ત્યાગીનો પરચો જોવા મળ્યો છે, પણ ટી-20નો વર્લ્ડ નંબર-વન સ્પિનર વરુણ ચક્રવર્તીની સર્વશ્રેષ્ઠ ક્ષમતા હજી નથી જોવા મળી.

બીજી તરફ, શુભમન ગિલ તેમ જ જૉસ બટલર ગુજરાતની ટીમને જિતાડી રહ્યા છે અને પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના એક પછી એક હરીફ ટીમ પર પ્રભાવ પાડી રહ્યો છે. સ્પિનર રાશીદ ખાન પણ સારું રમીને 2025ની નિષ્ફળ સીઝનને ભુલાવી રહ્યો છે.

હેડ-ટુ-હેડ મુકાબલા

બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ પાંચ મૅચ રમાઈ છે જેમાંથી ત્રણ ગુજરાતે અને એક કોલકાતાએ જીતી છે. એક મુકાબલો અનિર્ણીત રહ્યો છે. છેલ્લે 2025ની સાલમાં ગુજરાતે કોલકાતાને 39 રનથી હરાવ્યું હતું.

બન્નેની સંભવિત ટીમ

ગુજરાતઃ શુભમન ગિલ, સાઇ સુદર્શન, જૉસ બટલર (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવાટિયા, એમ. શાહરુખ ખાન, રાશીદ ખાન, કૅગિસો રબાડા, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ અને (12મો પ્લેયર) અશોક શર્મા.

કોલકાતાઃ અજિંક્ય રહાણે (કૅપ્ટન), ફિન ઍલન/ટિમ સિફર્ટ, સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, કૅમેરન ગ્રીન, રિન્કુ સિંહ, રમણદીપ સિંહ, રૉવમૅન પૉવેલ, અનુકૂલ રૉય, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી અને (12મો પ્લેયર) વરુણ ચક્રવર્તી.