Thu Jun 18 2026

Logo

ક્રિષ્નાના તરખાટ બાદ ગિલ-બટલરે ગુજરાતને બૅક-ટુ-બૅક વિજય અપાવ્યો

2026-04-12 20:04:46
Author: Ajay Motiwala
Article Image

GT IPL


લખનઊઃ અહીં રવિવારે યજમાન લખનઊ સુપર જાયન્ટ્સ (20 ઓવરમાં 8/164) સામેની મૅચમાં આસાન જણાતી જીતને ગુજરાત ટાઇટન્સે (18.4 ઓવરમાં 3/165) થોડી મુશ્કેલ બનાવી દીધી હતી. જોકે કૅપ્ટન શુભમન ગિલ (Gill) અને વિકેટકીપર જૉસ બટલર (Buttler)ની જોડીએ ગુજરાતને બૅક-ટુ-બૅક વિજય અપાવ્યો હતો. ગુજરાતની ટીમ મહત્ત્વના બે પૉઇન્ટ મેળવીને ટૉપ-ઑર્ડરમાં (પાંચમા સ્થાને) આવી ગઈ હતી. જે વિજય બે-ચાર ઓવર બાકી રાખીને મેળવી શકાય એમ હતો એ ફક્ત આઠ બૉલ બાકી રાખીને મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે બન્ને ટીમ પાછલી પોતપોતાની મૅચ છેલ્લી ઓવરના થ્રિલરમાં જીતીને આ મૅચ રમી હતી.

ગુજરાતે (Gujarat) જીતવા માટે 165 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ સાધારણ શરૂઆત કરી હતી અને એક તબક્કે ટીમનો સ્કોર માત્ર એક વિકેટે 129 રન હતો, પરંતુ બે ઓવરમાં બે વિકેટ પડી જતાં ગુજરાત માટે સ્થિતિ થોડી ગંભીર થઈ ગઈ હતી. જોકે ટીમના બે હાફ સેન્ચુરિયન કૅપ્ટન શુભમન ગિલ (56 રન, 40 બૉલ, એક સિક્સર, છ ફોર) અને જૉસ બટલર (60 રન, 37 બૉલ, અગિયાર ફોર)ની જોડીએ ઉપરાઉપરી બે ઓવરમાં વિકેટ ગુમાવતાં પહેલાં 84 રનની જે ભાગીદારી કરી હતી એના જોરે જ છેવટે ગુજરાતની ટીમ જીતી શકી હતી. આ મૅચ અગાઉની દિલ્હી સામેની આઠમી એપ્રિલની મૅચમાં ગિલના 70 રન અને બટલરના બાવન રન છેવટે મૅચ-વિનિંગ નીવડ્યા હતા.

GT

ક્રિષ્નાએ ચાર મહત્ત્વની વિકેટ લીધી

લખનઊના બૅટ્સમેનોને પરેશાન કરી મૂકનાર ગુજરાતના પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના (4-0-28-4)ના તરખાટ બાદ બૅટિંગમાં ગિલ-બટલરે પણ જીતનો પાયો નાખી આપવામાં યોગદાન આપ્યું હતું. ક્રિષ્નાએ માર્કરમ (30 રન), આયુષ બદોની (નવ રન), નિકોલસ પૂરન (19 રન) અને મુકુલ ચૌધરી (18 રન)ની વિકેટ લીધી હતી. તેમણે અનુક્રમે 15મી અને 16મી ઓવરમાં વિકેટ ગુમાવી ત્યાર પછી વૉશિંગ્ટન સુંદર (21 અણનમ) અને રવિ તેવાટિયા (10 અણનમ)ની જોડીએ 30 રનની ભાગીદારીથી ટીમની નૌકા પાર પાડી હતી. લખનઊના મોહમ્મદ શમી, દિગ્વેશ રાઠી અને પ્રિન્સ યાદવે ગુજરાતની એક-એક વિકેટ મેળવી હતી.

લખનઊની બૅટિંગ સદંતર ફ્લૉપ

એ પહેલાં, ગુજરાતે બૅટિંગ આપ્યા બાદ લખનઊએ 20 ઓવરમાં આઠ વિકેટે 164 રન કર્યા જેમાંથી ચાર વિકેટ પ્રસિદ્ધ ક્રિષ્નાએ લીધી હતી. ભારતીય ટીમમાં કમબૅક કરવાના હેતુથી આ વખતની આઇપીએલમાં તનતોડ મહેનત કરી રહેલા ક્રિષ્નાએ કુલ 10 વિકેટ લીધી છે અને આ ઇનિંગ્સને અંતે તમામ બોલર્સમાં મોખરે હતો. માર્કરમ 30 રને વિકેટ ગુમાવી બેઠો ત્યાર બાદ લખનઊના સાત બૅટ્સમેનના ડબલ ડિજિટમાં રન હતા, પણ એકેય પ્લેયર 20 રન પણ નહોતો કરી શક્યો. પાછલી મૅચનો સુપરસ્ટાર અને મૅચ-ફિનિશર મુકુલ ચૌધરી (18 રન, 14 બૉલ, એક સિક્સર, એક ફોર) ક્રિષ્નાનો શિકાર થયો હતો. ક્રિષ્નાએ તેને વિકેટકીપર બટલરના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ફાસ્ટ બોલર અશોક શર્માએ બે તેમ જ સિરાજ-રબાડાએ એક-એક વિકેટ લીધી હતી.