Mon Jun 01 2026

Logo

એન્કાઉન્ટર બાદ હવે આરોપી અસદના ઘર પર ચાલશે બુલડોઝર, તંત્રએ 15 દિવસનું આપ્યું અલ્ટીમેટમ

2026-06-01 13:32:00
Author: Vimal Prajapati
Article Image

ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલા ખોડા વિસ્તારમાં નવનીત વિહારમાં એક હત્યા થઈ હતી. જેને લઈને આખા દેશમાં ચર્ચાઓ શરૂ થઈ છે. સૂર્યા પ્રતાપ ચૌહાણની હત્યા બાદ પોલીસે કાર્યવાહી કરી અને મુખ્ય આરોપી અસદનું એન્કાઉન્ટર પણ કર્યું હતું. આ કેસમાં હવે સ્થાનિક તંત્ર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સૂર્યા પ્રતાપ હત્યાકાંડના મુખ્ય આરોપી અસદના ઘરની બહાર જિલ્લા અધિકારીએ એક નોટિસ લગાવી છે. એટલું જ નહીં પરંતુ અધિકારીઓએ સમગ્ર વિસ્તારમાં ડ્રમ અને લાઉડસ્પીકર દ્વારા 15 દિવસની અંદર તમામ ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવા માટે અલ્ટીમેટમ જારી પણ કર્યું છે. 

15 દિવસમાં ગેરકાયદેસર બાંધકામને તોડવા આદેશ

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ જૂની મિલકત અસદના પિતાના નામે નોંધાયેલી છે, જોકે તેના વેચાણની ચર્ચા થઈ હતી, ગાઝિયાબાદ ઓથોરિટીના સત્તાવાર રેકોર્ડમાં હજુ પણ પિતાને માલિક તરીકે દર્શાવવામાં આવ્યા હોવાનું પણ પ્રકાશમાં આવેલ છે. હવે આ વિસ્તારમાં જિલ્લા તંત્ર દ્વારા પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ખોડા વિસ્તારમાં તંત્ર દ્વારા આ કાર્યવાહી શરૂ કરવામાં આવી તેના કારણે લોકોમાં હડકંપ મચી ગયો છે. મુખ્ય આરોપી અસદના ઘરે નોટિસ આપવામાં આવી તેમાં ઘરના ગેરકાયદેસર બાંધકામને જાતે જ તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો 15 દિવસમાં ગેરકાયદેસર બાંધકામને તોડવામાં નહીં આવે તો પછી તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવશે. 

પીડિત પરિવારને સુરક્ષા અને આર્થિક મદદ આપવામાં આવશે

રાજ્ય સરકાર પીડિત પરિવાર સાથે એકતામાં ઉભી હોય તેવું લાગે છે, અને કેબિનેટ પ્રધાન સુનીલ કુમાર શર્માએ મૃતકના સંબંધીઓને મળ્યા હતા. આ દરમિયાન તેમણે પીડિત પરિવારને સુરક્ષા અને આર્થિક મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. જેણે પણ આ પરિવારને ધમકાવ્યો છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું સુનીલ કુમાર શર્માએ કહ્યું હતું. આ કેસના દરેક આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. 

હત્યામાં સામેલ અન્ય લોકો સામે પણ કાર્યવાહી કરવા માંગ

હત્યાકાંડની વાત કરવામાં આવે તો, 28 મેના રોજ 17 વર્ષીય સૂર્યાની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં હત્યાના મુખ્ય આરોપી અસદનું પોલીસે એન્કાઉન્ટર પણ કરી દીધું છે. જો કે, મૃતક સૂર્યાની માતા અને બહેનનું કહેવું છે કે, આ હત્યામાં બીજા પણ કેટલાક લોકો સામેલ હતા. તેમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે! પરિવારે માંગણી કરી છે તે, આ લોકોના ઘરો પર પણ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવે! જો કે, સરકાર દ્વારા ખોડા વિસ્તારમાં તમામ લોકોને ગેરકાયદેસરના બાંધકામનો જાતે તોડી પાડવા માટે કહ્યું છે.