Thu Jun 18 2026

Logo

વર્લ્ડ ચૅમ્પિયન કોચ ગૌતમ ગંભીરનું આ દેશમાં પરિવાર સાથે લાંબુ વેકેશન

2026-03-26 15:58:35
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ ગૌતમ ગંભીર (Gautam Gambhir) ભારતનો સફળ ઓપનિંગ બૅટ્સમૅન બન્યા બાદ હેડ-કોચ તરીકે પોણાબે વર્ષથી મોટી સિદ્ધિની તલાશમાં હતો અને એ તેણે તાજેતરમાં ટીમ ઇન્ડિયાના ટી-20 ફૉર્મેટના ત્રીજા વર્લ્ડ કપ ટાઇટલના રૂપમાં મેળવી ત્યાર બાદ પરિવાર સાથે સિંગાપોર (Singapore) ગયો છે.

ભારતની વર્લ્ડ ચૅમ્પિયન ટીમના ખેલાડીઓ પોતપોતાના ફ્રૅન્ચાઇઝીની ટીમ સાથે આઇપીએલની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા ત્યારે ગૌતમ ગંભીરે પત્ની નતાશા તથા બે પુત્રી આઝીન તથા અનાઇઝા સાથે સિંગાપોરમાં લાંબુ વેકેશન માણવાનું પસંદ કર્યું.

ભારતીય ટીમે આઠમી માર્ચે અમદાવાદમાં ન્યૂ ઝીલૅન્ડને ફાઇનલમાં 96 રનથી હરાવીને વિક્રમજનક ત્રીજી વખત તેમ જ સતત બીજી વાર ટ્રોફી જીતીને નવો રેકૉર્ડ સ્થાપિત કર્યો હતો. એટલું જ નહીં, ભારત યજમાન તરીકે ટી-20 વિશ્વ કપ જીતનાર દેશ પણ બન્યો હતો.

44 વર્ષનો ગૌતમ ગંભીર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે પરિવાર સાથે સલામત રીતે દક્ષિણ-પૂર્વ એશિયાના સિંગાપોર પહોંચી ગયો હતો. ત્યાં તે ફૅમિલી સાથે કદાચ જીવનનું સૌથી આનંદમય વેકેશન માણી રહ્યો છે. તેણે પરિવાર સાથે અનેક પોઝ આપ્યા હતા અને તેમની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. તેણે નાની પુત્રી અનાઇઝાને ખભે ઊંચકીને પણ પોઝ આપ્યા હતા.