નવી દિલ્હીઃ કહેવત છે કે 'મોરના ઈંડાને ચીતરવા ન પડે', ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીરની દીકરીએ સ્પોર્ટ્સ ક્ષેત્રે એક મોટી સફળતા મેળવી છે. નાની ઉંમરમાં એક પદ સુધી પહોંચીને તેણે સાબિત કર્યું છે કે, પિતા તરફથી સ્પોર્ટ્સના સંસ્કાર વારસામાં મળ્યા છે. નવી દિલ્હીના જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમમાં આયોજિત સંડેઝ ઓન સાયકલની 88મી એડિશનમાં એક ખાસ ક્ષણ જોવા મળી હતી. ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીરની દીકરી આજીન ફિટ ઈન્ડિયાની એમ્બેસેડર બની છે. ફિટ ઈન્ડિયાની એમ્બેસેડર તરીકે એનું સન્માન કરવમાં આવ્યું હતું.
ફીટનેસ કમ ફર્સ્ટ
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આજીનનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે આજીનના પિતા અને ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીર પણ હાજર રહ્યા હતા. આ ક્ષણે કોચ પણ ભાવુક થઈ ગયા હતા. 12 વર્ષની આજીનને ફિટ ઈન્ડિયાના એમ્બેસેડર તરીકે સન્માન કરવા પાછળનો હેતુ યુવાવર્ગમાં ફિટનેસ અને એક્ટિવ જીવનશૈલીને વેગ આપવાનો છે. આજના યુવાનોની લાઈફસ્ટાઈલ સુધારવાનો છે. આને એક અભિયાનના રૂપમાં જોવામાં આવે છે. સંડેઝ ઓન સાયકલ જેવા આયોજન માટે લોકો સાયકલિંગ કરે અને નિયમિત રીતે શારીરિક પ્રવૃતિઓ કરે એ દિશામાં સમગ્ર અભિયાનને વેગ આપવાનો આશય છે. યુવાનોને શારીરિક પ્રવૃતિ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે એક્ટિવ કરવાનો હેતુ રહેલો છે. ગંભીરની દીકરીને મળેલું સન્માન એટલા માટે ખાસ છે કારણ કે, ગૌતમ ખુદ પણ એવા ભારતીય ક્રિકેટરમાંથી એક છે જેઓ પોતાના જીવનમાં ફિટનેસનેસને ખૂબ મહત્ત્વ આપે છે, નિયમિત રીતે કસરત કરે છે અને ગ્રાઉન્ડ પર પરસેવો પણ પાડે છે. ગંભીરના કોચિંગમાં જ ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડકપ જીત્યો હતો. જ્યારે ગત વર્ષે ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન ટ્રોફી પર પોતાનું નામ અંકિત કર્યું હતું.
અભિયાન પાછળનો હેતુ સ્વસ્થ ભારત
ગૌતમ ગંભીરે તા.28 ઓક્ટોબર, 2011 ના રોજ ગુરુગ્રામમાં નતાશા જૈન સાથે લગ્ન કર્યા. આ દંપતીએ 1 મે, 2014 ના રોજ તેમની પુત્રી આજીનનું સ્વાગત કર્યું. બાદમાં, 2017 માં, તેમની બીજી પુત્રી, અનૈઝાનો જન્મ થયો. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં, લોકોએ સાયકલિંગ દ્વારા ફિટનેસનો મેસેજ આપ્યો. આ અભિયાનનો હેતુ લોકોને રવિવારે સવારે સાયકલ ચલાવવા અને શારીરિક રીતે સક્રિય રહેવા માટે તેમના ઘરની બહાર નીકળવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. 'સન્ડેઝ ઓન સાયકલ્સ' ડિસેમ્બર 2024 માં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા એક પહેલ હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતથી જ, આ અભિયાન ફિટનેસને જન ચળવળમાં રૂપાંતરિત કરવા અને સામાન્ય લોકોને તેમના રોજિંદા જીવનમાં શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ કરવા માટે પ્રેરણા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.