ગડચિરોલી: મહારાષ્ટ્રના પૂર્વ વિદર્ભમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ગડચિરોલી જિલ્લામાં ફરી એકવાર પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ભામરાગડ તાલુકામાં પર્લકોટા નદીમાં પૂર આવતા નદી પરનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેના કારણે ભામરાગડ સહિત નદીપારના 50થી વધુ ગામનો સંપર્ક તૂટી ગયો છે. પ્રશાસને લોકોને સતર્ક રહેવા અને પૂરનાં પાણીમાંથી પસાર થવાનું ટાળવાની અપીલ કરી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ભંડારા, ગોંદિયા, ચંદ્રપુર અને ગડચિરોલી સહિત પૂર્વ વિદર્ભના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. 23 ઓગસ્ટે ભામરાગડ તાલુકામાં 61 મિમી, જ્યારે ભામરાગડ મંડળમાં 73 મિમી વરસાદ નોંધાયો હતો. સતત વરસાદને કારણે પર્લકોટા ઉપરાંત પામુલગૌતમ અને ઈન્દ્રાવતી નદીઓના જળસ્તરમાં પણ ઝડપથી વધારો થયો છે. પરિણામે દક્ષિણ ગડચિરોલીમાં જનજીવન ખોરવાઈ ગયું છે.
આ પૂરમાં એક કરુણ કિસ્સો પણ સામે આવ્યો છે. જિમલગટ્ટાના 65 વર્ષીય મલય્યા પનહટીવારનું હેડરી ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું ત્યાર બાદ તેમનો મૃતદેહ એમ્બ્યુલન્સમાં લઈને જવામાં આવી રહ્યો હતો. પરંતુ આલાપલ્લી-સિરોંચા નેશનલ હાઈવે પર નંદીગાંવ નાળાનો પુલ પૂરનાં પાણીમાં ડૂબી જતાં એમ્બ્યુલન્સ રસ્તામાં જ ફસાઈ ગઈ હતી. પાણી વધતા બંને તરફની વાહનવ્યવહાર વ્યવસ્થા પણ ઠપ થઈ ગઈ હતી.
ભામરાગડમાં આ વર્ષે બીજી વખત વરસાદને કારણે સંપર્ક તૂટ્યો છે. પર્લકોટા નદીનો પુલ પાણીમાં ગરકાવ થતાં ભામરાગડ અને આસપાસના ગામોના લોકોની અવરજવર પર પણ માઠી અસર પડી છે. તાલુકા પ્રશાસને પૂરનું જોખમ ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની ચેતવણી આપી છે. નદી-નાળાના પાણીમાં વધારો થઈ રહ્યો હોવાથી લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા અને ખાસ કરીને પૂરનાં પાણીમાંથી વાહન લઈને પસાર ન થવા માટેની અપીલ કરાઈ છે.
દરમિયાન ગોંદિયા જિલ્લાના આમગાંવ તાલુકામાં પણ રસ્તાની હાલત ચિંતાનો વિષય બની છે. તિગાંવ-જાંભુરટોલા માર્ગ પરનો નાનો પુલ અત્યંત જર્જરિત અને જોખમી બની ગયો છે. પુલ પર બે મોટા ખાડા પડી ગયા છે અને તેનો એક મોટો ભાગ ધરાશાયી થૈ જતાં તેમાંથી લોખંડના સળિયા બહાર આવી ગયા છે. જેના કારણે વાહનચાલકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોની સુરક્ષા સામે ગંભીર જોખમ નિર્માણ થયું છે.
ખાસ કરીને રાત્રિના સમયે આ પુલ પરથી પસાર થવું જોખમી બની ગયું છે. જો સમયસર પુલની મરામત કરવામાં નહીં આવે તો ગંભીર અકસ્માતની શક્યતા નકારી શકાય નહીં. એક તરફ ગડચિરોલીમાં નદીઓના પૂરથી અનેક ગામોનો સંપર્ક તૂટી રહ્યો છે, તો બીજી તરફ ગોંદિયામાં જર્જરિત પુલ લોકો માટે જોખમનું કારણ બની રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે બંને જિલ્લાઓમાં પ્રશાસન સામે રાહત અને સુરક્ષાની મોટી કટોકટીની પરિસ્થિતિ નિર્માણ થઈ છે.