Sun Jul 12 2026

Logo

આજે નોર્વેના હાલૅન્ડ વિરુદ્ધ ઇંગ્લૅન્ડની ટક્કર!

Miami Gardens   2026-07-11 17:03:51
Author: Ajay Motiwala
Article Image

સાડાછ ફૂટ ઊંચા અર્લિંગ હાલૅન્ડને કાબૂમાં રખાશે તો બ્રિટિશ ટીમની જીત પાક્કી

માયામી ગાર્ડન્સ (અમેરિકા)ઃ ફિફા વર્લ્ડ કપમાં એક સેમિ ફાઇનલ રાઉન્ડ નજીક આવી ગયો છે જે માટેની એક લાઇન-અપ નક્કી થઈ ગઈ છે અને બીજી લાઇન-અપ આવનારા ગણતરીના કલાકોમાં નિર્ધારિત થશે. ફ્રાન્સ-સ્પેન પ્રથમ સેમિ ફાઇનલમાં ટકરાશે, જ્યારે બીજી સેમિ ફાઇનલમાં પહોંચવા માટે બે જે ક્વૉર્ટર ફાઇનલ બાકી છે એમાંની પ્રથમ મૅચ આજે (મધરાત બાદ 2.30 વાગ્યાથી) અહીંના હાર્ડ રૉક સ્ટેડિયમમાં નોર્વે અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાશે.

ફૂટબૉલનો સૌ કોઈ ડાઇ-હાર્ડ સારી રીતે જાણે છે કે હૅરી કેનના સુકાનમાં ઇંગ્લૅન્ડની ટીમે મોટા ભાગની યોજના નોર્વેના ઊંચા કદના આક્રમક ખેલાડી અર્લિંગ હાલૅન્ડને નજરમાં રાખીને તૈયાર કરી હશે. હાલૅન્ડને કાબૂમાં રાખી શકાશે તો ઇંગ્લૅન્ડની જીત આસાન થઈ જશે. હાલૅન્ડ (Haaland) એટલો બધો પ્રભાવશાળી ખેલાડી છે કે તેની સામે જો લિયોનેલ મેસી કે કીલિયાન ઍમ્બપ્પે રમવાના હોય તો પણ સૉકરપ્રેમીઓ છાતી ઠોકીને નહીં કહે કે હૉલેન્ડ સામેની ટક્કરમાં મેસી કે ઍમ્બપ્પે સફળ થશે.

હાલૅન્ડની અડફેટે આવ્યો પટકાયા સમજો

પચીસ વર્ષનો હાલૅન્ડ છ ફૂટ પાંચ ઇંચ ઊંચો છે. તે શક્તિશાળી અને ટૅલન્ટેડ છે. તે ગોલ સ્કોરિંગ મશીન તરીકે ઓળખાય છે. મેદાન પર તે મોટા ભાગે ચાલીને જ પોતાના નિયત સ્થાને પહોંચતો હોય છે. તે ભાગ્યે જ દોડતો જોવા મળે છે અને દોડે ત્યારે ભલભલો હરીફ ડિફેન્ડર તેનાથી ડરી જાય છે અને 100 ટકા સતર્ક થઈ જાય છે. તે હેડરથી કે પગથી ગોલ કરવાનો પ્રયાસ કરે ત્યારે જો કોઈ હરીફ ખેલાડી તેની અડફેટે આવી જાય તો નીચે જ પટકાય. તાજેતરમાં સ્પર્ધાની બહાર થઈ જનાર બ્રાઝિલના ખેલાડીઓને તેનો કડવો અનુભવ થયો હતો.

જો બૉલ હાલૅન્ડના મનપસંદ સ્પૉટ પર આવી જાય તો હરીફો સમજી જ જાય કે હવે તેને રોકવો મુશ્કેલ છે. જોકે આજે નોર્વેએ ઇંગ્લૅન્ડ (England)ના કૅપ્ટન અને સ્ટ્રાઇકર (ફૉર્વર્ડ ખેલાડી) હૅરી કેનથી ખૂબ ચેતવું પડશે. હાલૅન્ડ સાથે મૅન્ચેસ્ટર સિટી ટીમ વતી રમી ચૂકેલો ઇંગ્લૅન્ડનો નિકૉ ઑરાઇલી કહે છે, `હાલૅન્ડ ખૂબ ડૅન્જરસ છે. હું તો એવું જ કહું છું કે હાલૅન્ડના કબજામાં બૉલ ન જાય એની જ તકેદારી રાખવી જોઈએ. એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે.'

હાલૅન્ડ આ વખતના વર્લ્ડ કપમાં સાત ગોલ કરી ચૂક્યો છે અને આર્જેન્ટિનાના લિયોનેલ મેસી (આઠ ગોલ) તથા ફ્રાન્સના કીલિયાન ઍમ્બપ્પે (આઠ ગોલ)થી જરાક જ પાછળ છે. આજે મધરાત બાદ નોર્વે સામે રમનાર ઇંગ્લૅન્ડની ટીમના મિડફીલ્ડર મોર્ગન રોજર્સને પૂછવામાં આવ્યું કે `શું હાલૅન્ડને અત્યાર સુધી કોઈ રોકી શક્યું છે?' જવાબમાં રોજર્સે કહ્યું, `હું નથી માનતો કે કોઈ તેને રોકી શક્યું હશે, પણ અમે તેને જરૂર આગળ વધતો અટકાવીશું. તેને ગમે એમ કરીને રોકવો જ પડશે.'

વર્લ્ડ કપનું અંતિમ શેડ્યૂલ

ત્રીજી ક્વૉર્ટર ફાઇનલ

નોર્વે વિ. ઇંગ્લૅન્ડ
(આજે મધરાત બાદ 2.30

ચોથી ક્વૉર્ટર ફાઇનલ

આર્જેન્ટિના વિ. સ્વિટઝરલૅન્ડ
(આવતી કાલે સવારે 6.30)

પ્રથમ સેમિ ફાઇનલ

ફ્રાન્સ વિ. સ્પેન
(મંગળવારે મધરાત બાદ 12.30)

બીજી સેમિ ફાઇનલ

હરીફો આવતી કાલે સવારે નક્કી થશે
(બુધવારે મધરાત બાદ 12.30)

ત્રીજા સ્થાન માટેની મૅચ

(18મી જુલાઈએ મધરાત બાદ 2.30)

ફાઇનલ

(19મી જુલાઈએ મધરાત બાદ 12.30)