Sun Jul 12 2026

Logo

બેલ્જિયમના ગોલકીપરની એક ભૂલને લીધે સ્પેનની સેમિ ફાઇનલમાં આસાન એન્ટ્રી

Los Angeles   2026-07-11 13:29:00
Author: Ajay Motiwala
Article Image

લૉસ ઍન્જેલસ: ભૂતપૂર્વ ચેમ્પિયન સ્પેને શુક્રવારે મોડી રાત્રે ફિફા વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઈનલમાં બેલ્જિયમને છેલ્લી મિનિટોના રોમાંચક મુકાબલામાં 2-0થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં (સોમવારે મધરાત બાદ 12:30 વાગ્યે) એનો મુકાબલો ફ્રાન્સ સામે થશે.

સ્પેન અને બેલ્જિયમની ટીમ શુક્રવારની ક્વૉર્ટર ફાઇનલમાં 87મી મિનિટ સુધી 1-1ની બરાબરમાં હતી અને એ મુકાબલો એક્સ્ટ્રા ટાઈમમાં જવાની તૈયારીમાં જ હતો. જોકે 88મી મિનિટમાં સબસ્ટિટયૂટ ખેલાડી મિકેલ મેરિનોને બેલ્જિયમ (Belgium)ના ગોલકીપર (Goalkeeper)ની એક ભૂલને લીધે ગોલ કરવા મળી ગયો હતો. એ ગોલની મદદથી સ્પેને 2-1ના વિજય સાથે સેમિમાં એન્ટ્રી મેળવી હતી. મેરિનો 86મી મિનિટમાં મેદાન પર ઊતર્યો હતો અને બે મિનિટમાં તેણે ગોલ કરીને સ્પેન (Spain)ને જિતાડી દીધું.

88 મિનિટમાં સ્પેનના ખેલાડીઓ જબરદસ્ત આક્રમણ પર હતા અને એમાં સ્પેનના પાઉ કયૂબાસીની કિકમાં બૉલને બેલ્જિયમના રિઝર્વ ગોલકીપર સેને લામેન્સે કબજામાં લીધો હતો, પરંતુ બૉલ તેના હાથમાંથી છૂટી ગયો હતો અને રીબાઉન્ડમાં મેરિનોને આસાનીથી ગોલ કરવા મળી ગયો હતો. બેલ્જિયમના મુખ્ય ગોલકીપર થિબાઉ કોરટુઆને 71મી મિનિટમાં ઈજા થઈ હતી અને તે મેદાનની બહાર જતો રહ્યો હતો. તેના સ્થાને સેને લામેન્સને ગોલકીપિંગની જવાબદારી સોંપવામાં આવી હતી અને તેની ભૂલને લીધે બેલ્જિયમે પરાજય જોવો પડ્યો.

બેલ્જિયમની ટીમને ગોલકીપરની આ એક ભૂલ ભારે પડી ગઈ અને સ્પેન ત્રીજી વખત વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પહોંચવામાં સફળ થયું.  સ્પેન 2010માં નેધરલૅન્ડ્સને ફાઇનલમાં હરાવીને ચેમ્પિયન બન્યું હતું.

શુક્રવારની મુખ્ય મૅચમાં ફર્સ્ટ હાફમાં સ્પેન વતી ફેબિયન રૂઈઝે અને 41મી મિનિટમાં બેલ્જિયમ વતી ચાર્લ્સ ડી કેટેલેરેએ ગોલ કર્યો હતો.

છેલ્લા બે ક્વૉર્ટર ફાઇનલ મુકાબલા ક્યારે?

(1) નોર્વે વિરુદ્ધ ઇંગ્લેન્ડ
(આજે મધરાત બાદ 2.30)
(2) આર્જેન્ટિના વિરુદ્ધ સ્વિટઝરલૅન્ડ
(આવતી કાલે સવારે 6:30)