Sun Jul 12 2026

Logo

ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સે જીતીને બ્રાઝિલના આ બે મોટા વિક્રમની બરાબરી કરી

Bouston   2026-07-10 13:21:00
Author: Ajay Motiwala
Article Image

Image Source: AP


બૉસ્ટન: ફ્રાન્સે (ભારતીય સમય અનુસાર ગુરૂવાર મધરાત બાદ) 23મા ફિફા વર્લ્ડ કપની પ્રથમ ક્વૉર્ટર ફાઇનલમાં આફ્રિકા ખંડના મોરોક્કો દેશની ટીમને 2-0થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

એ સાથે, ફ્રાન્સે વર્લ્ડ કપમાં સતત ત્રીજી વખત સેમિ ફાઇનલમાં પ્રવેશ કરીને તેમ જ કુલ આઠમી વાર સેમિ ફાઈનલ પ્રવેશ મેળવીને બ્રાઝિલની આ બંને સિદ્ધિની બરાબરી કરી લીધી છે અને બ્રાઝિલ સાથે બીજા નંબર પર જોડાઈ ગયું છે. જોકે આ રેકૉર્ડ બુકમાં જર્મની પ્રથમ સ્થાને છે.

બ્રાઝિલ 1994થી 2002 સુધીમાં ઉપરાઉપરી ત્રણ વખત સેમિમાં પહોંચ્યું હતું, જ્યારે ફ્રાન્સે 2018થી 2026 દરમ્યાનના ત્રણ વર્લ્ડ કપમાં આ સિદ્ધિ મેળવી છે. જર્મનીએ 2002થી 2014 દરમ્યાન સતત ચાર વખત સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.

બ્રાઝિલની જેમ હવે ફ્રાન્સ પણ આઠ વખત વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પહોંચવામાં અને બીજું સ્થાન મેળવવામાં સફળ થયું છે. આ રેકૉર્ડમાં જર્મની 12 સેમિ ફાઈનલ પ્રવેશ સાથે મોખરે છે.

છ મિનિટમાં ફ્રાન્સ (France)ના બે વિજયી ગોલ

ગુરુવારની ક્વૉર્ટર ફાઇનલમાં ફ્રાન્સ અને મોરોક્કો 60મી મિનિટ સુધી 0-0ની બરાબરીમાં હતા. ફ્રાન્સનો કીલિયાન ઍમ્બપ્પે (Mbappe) એક પેનલ્ટી કિકના શૉટમાં નિષ્ફળ રહ્યો હતો, પરંતુ તેણે સેકન્ડ હાફમાં 60મી મિનિટમાં ગોલ કરીને એ નિષ્ફળતા ભુલાવી દીધી હતી. ફ્રાન્સે ત્યારે 1-0થી સરસાઇ મેળવી અને છઠ્ઠી મિનિટમાં (કુલ 66 મિનિટમાં) ડેમ્બેલેએ ગોલ કરીને ફ્રાન્સની સરસાઇ વધારીને 2-0 કરી હતી. મોરોક્કોના ખેલાડીઓનું ડિફેન્સ અને આક્રમણ ધાર્યા કરતા નબળા હતા જેનો લાભ ફ્રાન્સના ખેલાડીઓ લઈ ગયા હતા. 

આજે બીજી ક્વૉર્ટર ફાઇનલ કોની વચ્ચે?

ભારતીય સમય અનુસાર આજે મધરાત બાદ 12:30 વાગ્યે સ્પેન અને બેલ્જીયમ વચ્ચે બીજી કવૉર્ટર ફાઈનલ રમાશે. ત્યાર પછીની બે છેલ્લી ક્વૉર્ટર ફાઇનલ નોર્વે-ઇંગ્લૅન્ડ (શનિવાર મધરાત બાદ 2.30) અને આર્જેન્ટિના-સ્વિટ્ઝરલૅન્ડ (રવિવારે સવારે 6.30) વચ્ચે રમાવાની છે.