Wed Sep 02 2026

Logo

મેસીના આર્જેન્ટિનાને નમાવી પહેલી વખત સેમિ ફાઇનલમાં પહોંચવા સ્વિટઝરલૅન્ડ મક્કમ

Kansas   2026-07-11 17:49:41
Author: Ajay Motiwala
મેસીના આર્જેન્ટિનાને નમાવી પહેલી વખત સેમિ ફાઇનલમાં પહોંચવા સ્વિટઝરલૅન્ડ મક્કમ

AP


કૅન્સસ સિટી (અમેરિકા): ફિફા વર્લ્ડ કપમાં (ભારતીય સમય અનુસાર આવતી કાલે સવારે 6.30 વાગ્યે) જે છેલ્લી ક્વૉર્ટર ફાઇનલ રમાશે એવી બે હરીફ ટીમ અગાઉની વર્લ્ડ કપ ટૂર્નામેન્ટોના ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડમાં ભાગ્યે જ જોવા મળી હશે. આર્જેન્ટિના ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે, એની ટીમમાં સુપરસ્ટાર લિયોનેલ મેસી તેમ જ બીજા સ્ટાર ખેલાડીઓ સામેલ છે, જ્યારે આવતી કાલની એની હરીફ ટીમ સ્વિટઝરલૅન્ડ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.

સ્વિટઝરલૅન્ડ (Switzerland) પહેલી જ વખત વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પહોંચવા ઝઝૂમી રહી છે. એ તો ઠીક, પણ સ્વિટઝરલૅન્ડે 1954ની સાલ પછી ક્યારે ક્વૉર્ટર ફાઇનલમાં પણ પ્રવેશ નહોતો કર્યો.

આર્જેન્ટિના (Argentina) પાસે વર્તમાન પેઢીના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર લિયોનેલ મેસી ઉપરાંત લૉટારો માર્ટિનેઝ અને જુલિયન અલ્વારેઝ જેવા પડકારરૂપ અને પ્રખ્યાત ખેલાડીઓ પણ છે. જોકે એટલું તો કહેવું જ જોઈએ કે 2022ના વર્લ્ડ કપની આ ચૅમ્પિયન ટીમે કેપ વર્ડે જેવી 64મા ક્રમની ટીમ સામે મહા મહેનતે જીતવું પડ્યું હતું અને ઇજિપ્ત સામે 0-2થી પાછળ રહ્યા પછી વિજય મળી શક્યો હતો.

એ જોતાં સ્વિટઝરલૅન્ડને આવતી કાલે સવારે આર્જેન્ટિના સામે જીત મેળવવાની આશા છે. ઉલ્લેખનીય છે કે સ્વિટઝરલૅન્ડની ટીમ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં કોલમ્બિયા સામે પેનલ્ટી શૂટઆઉટમાં જીતીને આર્જેન્ટિના સામે આવી છે. આ મુકાબલો જીતનાર ટીમ નોર્વે અથવા ઇંગ્લૅન્ડ સામે સેમિ ફાઇનલ રમશે. સ્વિટઝરલૅન્ડની ટીમ આ વખતે પાંચ મૅચમાં ફક્ત ત્રણ ગોલ કરી શકી છે, જ્યારે આર્જેન્ટિનામાં એકલા લિયોનેલ મેસીના આઠ ગોલ છે. જોકે મેસીને અટકાવવાની જવાબદારી સ્વિસ ટીમના ખાસ કરીને ઝાકા, અકાન્જી, રેમો ફ્રેલર, ડેનિસ ઝકારિયા, નિકો એલ્વેડી, રિકાર્ડો રૉડ્રિગેઝ અને ગોલકીપર ગે્રગર કૉબેલ પર રહેશે.