મેક્સિકોઃ વર્લ્ડ કપની મૅચ દરમ્યાન રેફરી (Referee)ને કે બીજા કોઈ ખેલાડીને ન સંભળાય કે પછી માઇકમાં પણ રેકૉર્ડ ન થઈ જાય એ હેતુથી મોં ઢાંકીને બોલવા પર ફિફાએ પ્રતિબંધ મૂક્યો છે અને આ નિયમનો ભંગ કરનારને રેફરી રેડ કાર્ડ (Red Card) બતાવે છે જેનો બીજો કિસ્સો બુધવારે ઇક્વેડૉર અને મેક્સિકો વચ્ચેની મૅચ દરમ્યાન બન્યો હતો.
I’m starting to fw this new red card rule. The way he smiled after getting the red tells you he definitely said something badpic.twitter.com/OBp0MkNlCD https://t.co/VLdZ0fHres
— AB⚕ (@AbsoluteBruno) July 1, 2026
બુધવારની મૅચ દરમ્યાન હરીફ ખેલાડીના કાનમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ઇક્વેડૉરના પિએરો હિન્કૅપીને રેફરીએ રેડ કાર્ડ બતાવ્યું હતું. આ વર્લ્ડ કપમાં છેલ્લા 10 દિવસમાં બનેલો આ બીજો કિસ્સો છે. 20મી જૂને પૅરાગ્વેના મિગ્વેલ અલ્મિરૉન રમતી વખતે એક તબક્કે મોં ઢાંકીને બોલ્યો એ બદલ તેને રેફરીએ રેડ કાર્ડ બતાવીને મૅચની બહાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે રેડ કાર્ડ જેને બતાવવામાં આવે તેને પછીની મૅચમાં પણ નથી રમવા મળતું. એ કિસ્સામાં એક ફાઉલ વખતે અલ્મિરૉન અને તૂર્કીના મર્ટ મુલ્ડુર વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે અલ્મિરૉને મોં પર હાથ રાખીને મુલ્ડુરને કંઈક કહ્યું હતું. મુલ્ડુરે તાબડતોબ રેફરીને અલ્મિરૉન (Almiron)ની આ હરકત વિશે ફરિયાદ કરી હતી અને અલ્મિરૉનને રેડ કાર્ડ બતાવાયું હતું.
બુધવારે ઇક્વેડૉરની ટીમ મેક્સિકોથી 0-2થી પાછળ હતી અને ઇક્વેડૉરના જીતવાની કોઈ જ સંભાવના નહોતી ત્યારે મરણિયા અને હતાશ બનેલા ઇક્વેડૉરના હિન્કૅપીએ મોં ઢાંકીને મેક્સિકોના સૅન્ટી જિમેનેઝને કાનમાં કંઈ ક કહ્યું હતું. જિમેનેઝે તરત જ રેફરીને ફરિયાદ કરી હતી અને તેમણે હિન્કૅપીને રેડ કાર્ડ બતાવી દીધું હતું. ઇક્વેડૉર આ મૅચ 0-2થી હારી ગયું હતું અને ટૂર્નામેન્ટની બહાર થઈ ગયું હતું, જ્યારે મેક્સિકોએ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ઇક્વેડૉર માટે હવે ટૂર્નામેન્ટ પૂરી થઈ ગઈ છે, પરંતુ હિન્કૅપી આગામી આંતરરાષ્ટ્રીય મૅચમાં નહીં રમી શકે.