Wed Jul 01 2026

Logo

હાલૅન્ડે નોર્વેને બચાવ્યું, ફ્રાન્સ અને મેક્સિકો પણ વન-સાઈડ મૅચ જીતીને પ્રી-ક્વૉર્ટરમાં

Arlington   2026-07-01 12:01:29
Author: Ajay Motiwala
Article Image

AP


અર્લિંગ્ટન: યુરોપના દેશ નોર્વેની ટીમને મંગળવારે ફિફા વર્લ્ડ કપની નૉકઆઉટ મૅચની અંતિમ મિનિટોમાં એના મુખ્ય ખેલાડી અર્લિંગ હાલૅન્ડે ગોલ કરીને યાદગાર વિજય અપાવ્યો હતો. એ સાથે નોર્વે 16 ટીમવાળા પ્રી-કવૉર્ટર ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગયું છે. ત્યાર બાદ ફ્રાન્સે સ્વિડનને 3-0થી હરાવીને અને મેક્સિકોએ ઇક્વેડૉરને 2-0થી માત આપીને પ્રી-કવૉર્ટરમાં પ્રવેશ કર્યો હતો.

નોર્વે અને આઈવરી કોસ્ટની ટીમ 86મી મિનિટ સુધી 1-1ની બરાબરીમાં હતી. એ સમયે નોર્વેના પૅટ્રિક બર્ગ આઈવરી કોસ્ટના ત્રણ ડિફેન્ડરની દીવાલ ભેદીને પેનલ્ટી બૉક્સમાં ધસી આવ્યો હતો અને હાલૅન્ડ (Haaland) તરફ બૉલ મોકલ્યો હતો. હાલૅન્ડે એ આસિસ્ટની મદદથી આસાનીથી બૉલને નેટમાં મોકલી આપ્યો હતું. આ વર્લ્ડ કપમાં હાલૅન્ડનો આ પાંચમો ગોલ હતો.

એ પહેલાં, ફર્સ્ટ હાફમાં 39મી મિનિટમાં નુસાએ નોર્વેને 1-0 થી સરસાઈ અપાવી ત્યાર પછી સેકન્ડ હાફમાં 74મી મિનિટમાં ડિઍલોએ ગોલ કરીને આઈવરી કોસ્ટને 1-1ની બરાબરીમાં લાવી દીધું હતું. જોકે આઈવરી કોસ્ટની ટીમને જેનો સૌથી વધુ ડર હતો એ ખેલાડી (હાલૅન્ડ) ત્રાટક્યો હતો અને 86મી મિનિટમાં તેના ગોલથી નોર્વે (Norway)એ 2-1થી યાદગાર વિજય મેળવ્યો હતો. આખી મૅચ દરમ્યાન બૉલ સૌથી વધુ આઈવરી કોસ્ટના કબજામાં રહ્યો હતો. બૉલ એના કબજામાં 52% અને નોર્વેના કબજામાં 48% હતો. શૉટ પણ આઈવરી કોસ્ટ (14) કરતાં નોર્વે (નવ)ના ઓછા હતા અને શૉટ્સ ઑન ટાર્ગેટ પણ આઈવરી કોસ્ટ 5)ની તુલનામાં નોર્વે (3)ના ઓછા હતા. એમ છતાં છેવટે નોર્વેનો વિજય થયો હતો.

AP

ઍમ્બપ્પે થયો મેસીની બરાબરીમાં

ફ્રાન્સે બુધવારે સવારે સ્વિડનને 3-0થી હરાવ્યું હતું. ત્રણમાંથી બે ગોલ કીલિયાન ઍમ્બપ્પે (45મી અને 74મી મિનિટમાં)એ કર્યા હતા, જ્યારે ત્રીજો ગોલ બાર્કોલાના નામે હતો. વર્તમાન વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાના લિયોનેલ મેસીની જેમ હવે ઍમ્બપ્પેના પણ હાઈએસ્ટ છ ગોલ છે. 

મેચ દરમ્યાન મોટા ભાગે ફ્રાન્સનું સ્વિડન પર પ્રભુત્વ રહ્યું હતું. બૉલ સૌથી વધુ 61 ટકા ફ્રાન્સના કબજામાં હતો જ્યારે સ્વિડનના ખેલાડીઓ બૉલ પર બહુ ઓછો કબજો (39%) રાખી શક્યા હતા. ફ્રાન્સની ટીમના પચીસ શૉટ સામે સ્વિડનની ટીમના માત્ર આઠ શૉટ હતા. ફ્રાન્સને 9 પેનલ્ટી કોર્નર મળ્યા હતા જેની તુલનામાં સ્વિડનને ફક્ત એક કોર્નર મળ્યો હતો.

AP

મેક્સિકો 40 વર્ષે નૉકઆઉટમાં જીત્યું

વર્તમાન વર્લ્ડ કપનું સહ યજમાન મેક્સિકો 40 વર્ષમાં પહેલી વખત નૉકઆઉટ રાઉન્ડની મૅચ જીત્યું હતું. બુધવારે સવારે એણે ઇક્વેડૉરની મજબૂત ટીમને 2-0થી માત આપી હતી. લીગ રાઉન્ડમાં જર્મની જેવી ધરખમ ટીમને હરાવનાર ઇક્વેડૉરના ખેલાડીઓની રમત બુધવારે મોટા ભાગે દિશાહીન અને નિરાશાજનક હતી. મૅચની છેલ્લી પળોમાં ઇક્વેડૉરના ખેલાડીઓ ગોલ કરવા માટે મરણિયા થઈ ગયા હતા અને આક્રમક મૂડમાં ફાઉલ પર ફાઉલ કરતા હતા. મૅચની બાવીસમી મિનિટમાં જુલિયન કવીનોનેસે ગોલપોસ્ટની ટૉપ કોર્નરમાંથી બૉલને નેટમાં મોકલી દીધો હતો. મેક્સિકોનો એ પહેલો ગોલ હતો. માત્ર 9 મિનિટ પછી મેક્સિકો વતી બીજો ગોલ ઇકવેડૉરના જોએલ ઓર્ડનેઝની ભૂલનો લાભ લઈને રાઉલ જિમેનેઝે કર્યો હતો અને ત્યાર પછી મેક્સિકોએ મૅચ પર સંપૂર્ણ વર્ચસ્વ જમાવ્યું હતું. તેમણે ઈક્વેડૉરના ખેલાડીઓને ગોલ કરવામાં સફળ તો નહોતા થવા દીધા, ઊલટાનું ઈક્વેડૉરના ખેલાડીઓ પોતાના દમ વિનાના પર્ફોર્મન્સને કારણે ક્યારેય મેક્સિકોના પ્લેયર્સને મુશ્કેલીમાં નહોતા લાવી શક્યા.

પ્રી-ક્વૉર્ટર ફાઇનલની પ્રાથમિક લાઇન અપ

16 દેશની ટીમ વચ્ચેની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં જે ટીમ પહોંચી ગઈ છે તેઓ એમાં કોની સામે રમશે એ પ્રાથમિક રીતે નક્કી થઈ ગયું છે. નોર્વેની બ્રાઝિલ સામે કૅનેડાની મોરક્કો સામે અને ફ્રાન્સની પૅરાગ્વે સામે મૅચ રમાશે. મેક્સિકોની હરીફ ટીમ હવે પછી નક્કી થશે.