અમદાવાદઃ ગુજરાત પર હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ એક સાથે ત્રણ મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યમાં હાલ વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન મધ્ય ગુજરાતના કવાંટ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. સવારે 10 થી બપોરે 12ના સમયગાળા દરમિયાન 2 ઇંચ પાણી પડ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ
છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી જ ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે.કવાંટ તાલુકામાં અને બોડેલીના રાજબોડેલી ગામમાં સવારથી જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે.છોટાઉદેપુર શહેર, પાવી જેતપુર, બોડેલી અને નસવાડી પંથકમાં ધીમી ધારે છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે.
સવારથી શરૂ થયેલા આ વરસાદને કારણે સામાન્ય જનજીવન પર થોડી અસર જોવા મળી છે. જો કે, સમયસર વરસાદ આવતા ખેડૂતોમાં ભારે આનંદનો માહોલ છે, કારણ કે આ વરસાદ ખેતીના કામકાજ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
ક્યાં બે કલાકમાં 2 ઇંચ પાણી પડ્યું
સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, સવારે 10 થી બપોરે 12ના સમયગાળા દરમિયાન 17 તાલુકામાં વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં સૌથી વધુ 2.09 ઇંચ વરસાદ વરસ્યો હતો. પંચમહાલના કાલોલમાં 1.42 ઇંચ, ઉમરગાવમાં 0.83 ઇંચ, સૂત્રાપાડામાં 0.39 ઇંચ, તિલકવાડામાં 0.24 ઇંચ, છોટા ઉદેપુરમાં 0.20 ઇંચ, નસવાડીમાં 0.16 ઇંચ, આમોદમાં 0.16 ઇંચ, જેતપુર પાવીમાં 0.12 ઇંચ, કપરાડામાં 0.12 ઇંચ, વાપીમાં 0.08 ઇંચ, માણાવદરમાં 0.08 ઇંચ, માળીયાહાટીનામાં 0.08 ઇંચ, પારડીમાં 0.04 ઇંચ, માંગરોળ(જૂનાગઢ)માં 0.04 ઇંચ, આંકલાવમાં 0.04 ઇંચ, ડાંગમાં 0.04 ઇંચ વરસાદ વરસ્યો હતો.