(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઇમાં સ્કૂલ બસ પર ઝાડ તૂટી પડવાને કારણે એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું તે બાબતે સરકારનો બચાવ કરવામાં શિવસેનાના પ્રધાન સંજય શિરસાટે નવો વિવાદ છેડ્યો છે. તેમણે કહ્યું હતું કે વૃક્ષપતન અને વીજ પડવી માનવીના હાથમાં હોતું નથી.
તેમણે આ વિવાદાસ્પદ ટિપ્પણી કર્યાના બીજા જ દિવસે સામાજિક ન્યાય ખાતાના પ્રધાને ડેેમેજ ક્ધટ્રોલનો પ્રયાસ કરતાં કહ્યું હતું કે તેમને ખોટી રીતે ક્વોટ કરવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પાલિકાએ વ્યવસ્થિત રીતે આગોતરા વૃક્ષની છટણી કરવી જોઈતી હતી જેથી આવા અકસ્માતને ટાળી શકાય. અહીં ઉલ્લેખનીય છે કે ચેમ્બુરમાં સ્કૂલ બસ પર પીપળાનું વિશાળ વૃક્ષ તૂટી પડતાં વિહાન શ્રીવાસ્તવ નામના વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું, જ્યારે ચાર વર્ષની એક બાળકી સહિત ચાર બાળકો જખમી થયા છે. બસમાં કુલ 13 વિદ્યાર્થી હતા.
આ કમનસીબ બનાવ અંગે પુછવામાં આવતાં શિરસાટે મંગળવારે જણાવ્યું હતું કે ‘કોઈ કેવી રીતે કઈ શકશે કે ઝાડ તૂટી પડવાનું છે? વૃક્ષ તૂટી પડવા અને વીજળી પડવાના બનાવો માનવી નિયંત્રણમાં નથી. કદાચ ત્યાં જોરદાર પવન વાઈ રહ્યો હતો.
તેમની આવી ટિપ્પણીને પગલે ખાસ્સો વિવાદ થયો હતો અને વિપક્ષો કૉંગ્રસ અને એનસીપી (એસપી)એ આ નિવેદનની ટીકા કરી હતી. પ્રધાનની ઝાટકણી કાઢતાં કૉંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું હતું કે આ નિવેદનમાં સરકારમાં રહેલા અહંકારના સ્તરને જોઈ શકાય છે. ચોમાસાની તૈયારીઓ ફક્ત કાગળ પર કરવામાં આવી હતી, વાસ્તવિક રીતે કશી જ તૈયારી થઈ નહોતી.
એનસીપી (એસપી)ના નેતા ક્લાઈડ ક્રાસ્ટોએ શિરસાટની ટિપ્પણીને ‘શરમજનક’ અને ‘બિનસંવેદનશીલ’ ગણાવતાં કહ્યું હતું કે બાળકના મૃત્યુને કુદરતી બનાવ તરીકે ગણાવી શકાય નહીં, ચોમાસા પહેલાં યોગ્ય રીતે ટ્રી ઓડિટ અને જાળવણી થવી જોઈતી હતી.
બુધવારે પત્રકારો સમક્ષ બોલતાં શિરસાટે કહ્યું હતું કે તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું. આ અત્યંત કમનસીબ બનાવ હતો. મેં કહ્યું હતું કે વૃક્ષ તૂટી પડવા એ કુદરતી ઘટનાઓ હોવા છતાં પાલિકાએ યોગ્ય સાવચેતી લેવી જોઈતી હતી. જે વૃક્ષો તૂટી પડવા જેવા હોય તેમને ચોમાસા પહેલાં જ કાપી નાખવા જોઈતા હતા, એમ શિરસાટે કહ્યું હતું.