અમદાવાદઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ઉમેદવારોને મળતી આર્થિક સહાયમાં વધારો કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગે આ અંગેનો સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા, અમદાવાદ અને તેના પ્રાદેશિક તાલીમ કેન્દ્રોમાં અભ્યાસ કરતા ઉમેદવારો માટે વધારો કરવામાં આવ્યો છે.
નવી જાહેરાત અનુસાર સ્પીપામાં પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને દર મહિને રૂ. 4,000નું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ સહાય વધુમાં વધુ સાત મહિના અથવા યુપીએસઈની પ્રિલિમ પરીક્ષા યોજાય ત્યાં સુધી મળશે. આ સાથે જે વિદ્યાર્થીઓએ પ્રિલિમ પરીક્ષા પાસ કરી લીધી હોય તેમાં યુવકોને રૂ. 35,000 અને યુવતીઓને રૂ. 50,000ની સહાય આપવામાં આવશે.
આ ઉપરાંત મુખ્ય પરીક્ષા પાસ કરનાર યુવકોને રૂ. 45,000 અને યુવતીઓને રૂ. 55,000ની પ્રોત્સાહન રકમ મળશે. ઉમેદવારોને જો આખરી પસંદગીમાં સ્થાન મળે તો યુવકોને રૂ. 75,000 અને યુવતીઓને રૂ. 1 લાખ પ્રોત્સાહન સહાય તરીકે આપવામાં આવશે. આ રીતે સમગ્ર પ્રક્રિયામાં સફળ યુવકને કુલ રૂ. 1.55 લાખ અને યુવતીને રૂ. 2.05 લાખ સુધીની સહાય પ્રાપ્ત થશે.
આ સાથે સરકારે જે ઉમેદવારો પાસે ગુજરાતનું ડોમિસાઈલ નથી તેમની માટે પણ સહાયની જાહેરાત કરી હતી, જેમાં સ્પીપા દ્વારા લેવાતી પર્સનાલિટી ટેસ્ટ ટ્રાઈનિંગ ક્લાસિસમાં જે પણ ઉમેદવારોની પસંદગી થશે તેમાં યુવકોને રૂ. 25,000 અને યુવતીઓને રૂ. 35,000ની સહાય આપવામાં આવશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.