મુંબઈ, નવી દિલ્હીઃ વેનેઝુએલામાં રહસ્યમય સંજોગોમાં જીવ ગુમાવનારા ભારતીય મર્ચન્ટ નેવીના નાવિક રાકેશ ચૌહાણના મૃતદેહમાંથી મગજ, હૃદય, ફેફસાં અને લીવર સહિતના મહત્વના આંતરિક અંગો ગાયબ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વેનેઝુએલાથી શબ ભારત આવ્યા બાદ જ્યારે અહીં ફરીથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે, જેને પગલે પરિવારે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ મોટા ષડયંત્રની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
એક મહિના બાદ ભારત પહોંચ્યો મૃતદેહ
મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના વતની અને પરિવાર સાથે મુંબઈમાં રહેતા 33 વર્ષીય રાકેશ ચૌહાણ નવેમ્બર 2025માં મર્ચન્ટ નેવીમાં જોડાયા હતા. તેઓ વેનેઝુએલામાં મરીન ફિટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. પરિવારના જણાવ્યા પ્રમાણે તારીખ 7 મેના રોજ કંપની તરફથી ફોન આવ્યો હતો કે જહાજ પર ચક્કર આવવાને કારણે રાકેશ પડી ગયા છે અને તેમને ગંભીર ઈજા થઈ છે. તેના બીજા જ દિવસે રાકેશની તબિયત વધુ નાજુક હોવાનું કહીને કંપનીએ તેમના મોતના સમાચાર આપ્યા હતા. કંપનીનો દાવો હતો કે, સારવાર દરમિયાન હાર્ટ એટેક આવવાને કારણે તેમનું મોત થયું છે.
⚠️ SHOCKING CASE — Indian Seafarer #RakeshChauhan reported dead in #Venezuela.
— FSUI (@FSUIINDIA) June 30, 2026
Mortal remains sent back to his hometown in Uttar Pradesh without any autopsy report or details from Venezuelan authorities.
Family demanded re-autopsy. The official Post-Mortem Report conducted in… pic.twitter.com/4dGSZtPEfp
ફરી પોસ્ટમોર્ટમમાં કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો
મોતના લગભગ એક મહિના બાદ જ્યારે રાકેશનો મૃતદેહ ભારત લાવવામાં આવ્યો, ત્યારે શંકાના આધારે અહીં ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. ભારતમાં જ્યારે તબીબોએ રાકેશના મૃતદેહનું ફરીથી પીએમ કર્યું ત્યારે હોસ્પિટલ સ્ટાફ અને પરિવારના હોશ ઉડી ગયા હતા. મૃતદેહની અંદર મુખ્ય આંતરિક અંગો ગાયબ હતા! જેથી પરિવારનો આક્ષેપ એવો છે કે, જો રાકેશનું મોત સામાન્ય હાર્ટ એટેકથી થયું હતું, તો તેમના શરીરના આટલા મહત્વના અંગો કેમ કાઢી લેવામાં આવ્યા? પરિવારે આ પાછળ કોઈ અંગ તસ્કરી (Organ Trafficking) અથવા મોતનું અસલી કારણ છુપાવવાનું મોટું ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે.
આ મામલે FSUI એ પણ આકરી પ્રતિક્રિયા આપી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વેનેઝુએલા પ્રશાસન તેમજ ભારતીય દૂતાવાસ સમક્ષ કેટલાક ગંભીર સવાલો કર્યાં છે. ચોંકાવનારી વાત એ છે કે, આખરે પરિવારની લેખિત મંજૂરી વગર મૃતદેહમાંથી આંતરિક અંગો શા માટે કાઢવામાં આવ્યા? વેનેઝુએલામાં કરાયેલા પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પરિવારને હજુ સુધી કેમ સોંપવામાં આવ્યો નથી? મૃતદેહ સ્વીકારવાની રસીદ પર કથિત રીતે ખોટી સહી કોણે કરી? અને સૌથી મહત્વપૂર્ણ એ કે, રાકેશના રોજગાર કરારમાં જે જહાજનું નામ હતું, તે વાસ્તવિક જહાજ કરતાં અલગ કેમ હતું? આવા સવાલો FSUI દ્વારા કરવામાં આવ્યાં છે. આ મામલે ભારત સરકાર અને વેનેઝુએલા સ્થિત ભારતીય દૂતાવાસને તાત્કાલિક હસ્તક્ષેપ કરી નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય તપાસ કરાવવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.