Thu Apr 30 2026

Logo

એકનાથ શિંદેનો મોટો ઝટકો: બચ્ચુ કડુને પાર્ટીમાં સામેલ કરીને ઉમેદવારી આપી

2026-04-30 20:38:12
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
દિવ્યાંગ કાર્યકર્તા અને પ્રહાર સંગઠનના સર્વેસર્વા બચ્ચુ કડુને ઉમેદવારી આપીને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદેએ બધાને ચોંકાવી દીધા હતા. એકનાથ શિંદેએ પહેલાં બચ્ચુ કડુને પોતાની પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો હતો અને પછી તેમને વિધાન પરિષદની ઉમેદવારી આપી હતી. શિવસેનાના ક્વોટાની બીજી બેઠક પર નિલમ ગોર્હેને ઉમેદવારી આપીને તેમને ફરી એકવખત વિધાન પરિષદમાં મોકલવામાં આવ્યા હતા. 

અહીં ઉલ્લેખનીય છે કે બચ્ચુ કડુ ચાર વખત અપક્ષ વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે, પરંતુ 2024ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ગુરુવારે વિધાન પરિષદની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે સવારે એકનાથ શિંદેએ બચ્ચુ કડુને શિવસેનામાં સામેલ કર્યા હતા અને પછી તેમને શિવસેના તરફથી વિધાન પરિષદની ઉમેદવારી આપી હતી. 

ખેડૂતો અને દિવ્યાંગના મુદ્દે અનેક વખત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ટીકા કરી ચૂકેલા બચ્ચુ કડુને શિવસેનામાં પ્રવેશ આપવામાં આવતાં રાજકીય નિરીક્ષકોમાં તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. બીજી તરફ નીલમ ગોર્હેને ફરી એકવખત ઉમેદવારી ન આપવામાં આવે તે માટે શિવસેનામાં થઈ રહેલા ભારે વિરોધને અવગણીને ફરી એકવખત તેમને જ ઉમેદવારી આપીને બધાને ચોંકાવી દીધા છે. 

એકનાથ શિંદેએ બચ્ચુ કડુને પાર્ટીમાં પ્રવેશ આપ્યા બાદ સ્પષ્ટ કર્યું હતું કે પ્રહાર સંગઠન સામાજિક સંગઠન તરીકે પોતાનું કામ ચાલુ રાખશે અને બચ્ચુ કડુ શિવસેનાના વિસ્તાર માટે કામ કરશે.