નવી દિલ્હી: યુએસ રશિયા સાથે વેપાર કરતા દેશો પર સતત દબાણ વધારી રહ્યું છે, રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા બદલ યુએસએ ભારત 25 ટકા વધારાના ટેરીફ પણ ઝીંક્યો હતો. એવામાં અહેવાલ છે કે યુએસનો આ દાવ સફળ થઇ રહ્યો છે. આંકડા મુજબ, જાન્યુઆરી મહિનામાં રશિયાથી ભારતમાં આયાતમાં 40.48% ઘટાડો નોંધાયો છે.
અહેવાલ મુજબ જાન્યુઆરી 2025 માં ભારતે રશિયા પાસેથી $4.81 બિલિયનના માલસામાનની આયાત કરી હતી, જે જાન્યુઆરી 2026માં $2.86 બિલિયન થઈ ગઈ છે, જે વાર્ષિક ધોરણે 40.48% ઘટાડો દર્શાવે છે.
પેટ્રોલિયમ ખરીદીમાં ઘટાડો:
ભારતીય રિફાઇનરીઓએ રશિયન ક્રૂડ ખરીદીમાં ભારે ઘટાડો કર્યો હોવાથી આ કુલ આયાતમાં મોટો ઘટડો નોંધાયો છે. નોંધનીય છે કે ભારત રશિયા પસેથી જેટલી આયાત કરે છે, તેમાં પેટ્રોલિયમ ક્રૂડનો હિસ્સો લગભગ 80% હોય છે. ક્રૂડ ઉપરાંત ભારત રશિયાથી કોલસો, કોક, પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાતર, લોખંડ, ન્યૂઝપ્રિન્ટ, કઠોળ, મોતી, કિંમતી અને અર્ધ-કિંમતી પથ્થરોની આયાત કરે છે.ભારત સરકારે સોમવારે જાન્યુઆરી 2026નો ટ્રેડ ડેટા જાહેર કર્યો હતો, પરંતુ હજુ સુધી પ્રોડક્ટ મુજબ માહિતી જાહેર કરવામાં આવી નથી.
ભારત યુએસના દબાણ સામે ઝૂક્યું?
2025-26 દરમિયાન ભારતે રશિયા પાસેથી એપ્રિલ 2025માં સૌથી વધુ 4.73 બિલિયન ડોલરના ક્રૂડ ઓઇલની આયાત કરી હતી, એપ્રિલ 2025માં જ ટ્રમ્પ વહીવટીતંત્રએ લિબરેશન ડે ટેરિફની જાહેરાત કરી હતી. ત્યાર બાદ 27 ઓગસ્ટમાં યુએસએ રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા બદલ ભારત પર વધુ 25% ટેરિફ લાદ્યો, સપ્ટેમ્બર 2025માં રશિયા પાસેથી ભારતની પેટ્રોલિયમ આયાત ઘટીને $3.32 બિલિયન થઈ ગઈ, જે એપ્રિલ મહિના કરતા લગભગ 30% ઓછી હતી.
ભારત સતત દાવો કરતી આવી છે કે ભારત કોઇના દબાણ સામે ઝુકશે નહીં, ભારત પોતાની પસંદગી પ્રમાણે વેપાર કરવા માટે સ્વતંત્ર છે. પરંતુ આંકડા દર્શાવી રહ્યા છે ભારતે રશિયા પસેથી આયાતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે, જે યુએસના દબાણનું પરિણામ હોઈ શકે છે.
રીફાઈનર્સ ગભરાયા:
યુએસની કાર્યવાહીના ડરે ભારતના કેટલાક રીફાઈનર્સે રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવાનું બંધ કરી દીધું હોવાની જાહેરાત કરી હતી.
ટ્રમ્પ વહીવટીતંત્રે 6 ફેબ્રુઆરીના રોજ જાહેરાત કરી હતી કે ભારતે રશિયા પાસેથી પેટ્રોલિયમની સીધી કે પરોક્ષ રીતે આયાત બંધ કરવા માટે તૈયારી બતાવી છે, તેથી ભારત પર લાદવામાં આવેલો 25% વધારાનો ટેરીફ પાછો ખેંચવામાં આવે છે.
વેનેઝુએલા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા દબાણ:
ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત વેનેઝુએલા પાસેથી પેટ્રોલિયમ ખરીદે, નોંધનીય છે કે જાન્યુઆરીમાં યુએસએ વેનેઝુએલાની રાજધાની પર હુમલો કરીને તેના રાષ્ટ્રપતિને બંધક બનાવ્યા હતાં અને વેનેઝુએલાના પેટ્રોલિયમ સ્ત્રોતો પર કબજો મેળવ્યો હતો. હવે વેનેઝુએલાના પેટ્રોલિયમ સ્ત્રોતો યુએસની કંપનીઓના હાથમાં છે, ટ્રમ્પ યુએસ કંપનીઓને ફાયદો ખટાવવા ઈચ્છે છે.