Wed Aug 19 2026

Logo

ફિલ્મનામા: સસ્પેન્સનું સર્વોચ્ચ શિખર એટલે ‘દ્રિદમ’

2026-07-31 09:07:00
Author: Naresh Shah
Article Image

 

 

 

આ એક એવી મલયાલમ ફિલ્મ છે, જેના અંતમાં ‘કોથળામાંથી ડાયનોસોર’ નીકળે છે ! 

 

- નરેશ શાહ

 

એક વાર્તાકાર (અહીં એક ડિરેક્ટર)ની સફળતા શેમાં છે? એ પોતાના કથા પ્રવાહમાં તમને એવા રસ તરબોળ કરી દે કે તમે પોતે વાર્તાકાર બનીને તેના કથાના ઉતાર-ચઢાવમાંથી સાંગોપાંગ નીકળવાના (મનોમન) પેંતરા કરવા માંડો. એમાંય રહસ્યનો કોયડો સૉલ્વ કરવાનો હોય તો તમે બે-ત્રણ પાત્રો પર ફોકસ કરતાં થઈ જાઓ, પણ ભેદ ખૂલે ત્યારે લાગે કે આ તો કોથળામાંથી બિલાડું નહીં, પણ કંઈક  બીજું નીકળ્યું... આજે આપણે જે ફિલ્મની વાત કરવાના છીએ તેમાં અંતે ‘કોથળામાંથી ડાયનોસોર’ નીકળ્યાનો ધ્રાસ્કો આપણને પડે છે. 

 

જૂન, 2026માં  ‘જિયો હૉટસ્ટાર’ પર ઓનએર થયેલી મલયાલમ ફિલ્મ ‘દ્રિદમ’ (દૃઢતા ) આપણને આવો આંચકો આપે છે.

 

હિન્દી સહિત ભારતની અન્ય પ્રાદેશિક ભાષામાં બનતી ફિલ્મોના પ્રમાણમાં મલયાલમ ફિલ્મો બનવાનો રેશિયો દશ ટકા જેટલો પણ નથી, પરંતુ છેલ્લા દશકામાં પુરવાર થઈ ગયું છે કે મલયાલમ ભાષામાં બનતી ફિલ્મો સરેરાશ ચાર આંગળ ઊંચી હોય છે. ‘દૃશ્યમ’, ‘ટ્વેલ્થ મેન’ જેવી ફિલ્મોમાં સેક્ધડ ડિરેક્ટર અને ઍક્ટર તરીકે કામ કરનારા માર્ટિન જોસેફે પોતાના ડાયરેક્શનમાં બનાવેલી ‘દ્રિદમ’ (લેખક: લિન્ટો દેવેશિયા અને જોમોન જહોન) તેમની પહેલી જ ફિલ્મ છે, પણ ક્રીઝ પર આવતાવેંત ફટકાયેલી સિક્સર જેવી આ ફિલ્મ છે.   

 

કેરળના એક નાનકડા ગામના પોલીસ થાણામાં પોતાનું પહેલું જ પોસ્ટિંગ લેતાં સબ ઇન્સ્પેક્ટર વિજય રાધાકૃષ્ણનને એટલી નિરાંત છે કે ક્રાઇમ રેશિયોની દૃષ્ટિએ આ પોલીસથાણું શાંત છે. પોલીસથાણાની બે મહિલા સહિત છ પોલીસ કૉન્સ્ટેબલનો સ્વભાવ પણ સારો છે અને બધા બાજુના ક્વાર્ટરમાં જ સાથે રહે છે. સબ ઇન્સ્પેક્ટર વિજયને પણ ત્યાં જ એક ક્વાર્ટરમાં રહેવાનું છે, પણ પ્રથમ ગ્રાસે મક્ષિકાના ન્યાયે ડ્યૂટી જૉઇન્ટ કર્યાના બીજા જ દિવસે સડી ગયેલું એક કાડું (હાથ) મળે છે. મતલબ કે હત્યા થઈ છે અને હવે શરીર શોધવાનું છે.

 

...પણ ‘પડે છે ત્યારે સઘળું પડે છે’ એ મહાવરા મુજબ એ પછી તરત જ ગામમાં ફાઇનાન્સનું કામ કરતી એક કંપનીમાં ચોરી થાય છે. દોઢસો ગ્રામ સોનાના દાગીના અને પચાસ લાખની ચોરીની ફરિયાદ ફાઇનાન્સ કંપનીનો મૅનેજર કરે છે. જોકે ચોરીના સુરાગ મળતા નથી. ચોરીની રાતે સાંબેલાધાર વરસાદ હોવાથી ડૉગ સ્ક્વૉડ પણ પરિણામ આપે એવું નથી. હત્યા અને ચોરીની તપાસ (જેમાં કંઈ મળતું નથી) ચાલી રહી છે એ દરમિયાન વધુ એક લાશ મળે છે અને...

 

નવા-નવા સબ ઇન્સ્પેક્ટર બનેલા વિજય રાધાકૃષ્ણન (શેન નિગમ) ખરેખર પરેશાન છે. ફાઇનાન્સ કંપની સાથે દુશ્મની ધરાવતા બે શખસ ગામમાંથી ગાયબ છે એટલે તેની શોધખોળ ચાલે છે. વિજય પોતાની દૂરંદેશીથી એ ભેદ તો ઉકેલ છે કે ચોરી પચાસ લાખની નહીં, પણ દશ લાખની જ થઈ છે. મોટો ફિગર માત્ર ઇન્સ્યોરન્સ ક્લઇમ માટે થયો હતો, પણ બંને હત્યાનું પગેરુંં મળતું નથી. દર્શક તરીકે હવે આપણે પણ અનુમાન લગાવતાં થઈ જઈએ છીએ કે ખરેખર આ કોનું કરતૂત હાઈ શકે? એક છાપ સિરિયલ કિલર હોવાની પણ પડે છે... એ દૃષ્ટિથી જોઈએ તો ‘દ્રિદમ’ ફિલ્મ ધીમી લાગશે, પરંતુ ખરેખર તો એમાં રહસ્ય વધુ ને વધુ ઘૂંટાતું જતું હોવાનો ધ્વનિ છે એ આપણને ફિલ્મના અંતમાં સમજાય છે. દાગીનાની ચોરી થઈ છે તો સ્વાભાવિક છે કે એકાદ દાગીનો બજારમાં વેચાવ આવે અને ચોરનું પગેલું મળે - એ ગણતરીથી એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે, કારણ કે...

 

ગામમાંથી ગૂમ થયેલા બે યુવકો તો આ હત્યા કે ચોરીમાં સામેલ નથી એ સાબિત થઈ ગયું છે. સાથોસાથ એ પણ જાહેર થઈ ગયું છે કે હત્યા ટોટલ ત્રણ છે, પરંતુ એ કરી છે કોણે? અચાનક એક ફોન આવે છે કે ચોરીનો હોય એવો એક ચેન વેચવા માટે એક મહિલા, એક જ્વેલરને ત્યાં આવી હતી. સબ ઇન્સ્પેક્ટર વિજય ખુદ એ જ્વેલરને મળવા જાય છે અને એ પછી...

 

...ધીમે ધીમે ભેદ ખૂલે છે, જે સબ ઇન્સ્પેક્ટર વિજય માટે અને ‘દ્રિદમ’ જોઈ રહેલા દર્શકો માટે પણ બૉમ્બ વિસ્ફોટ એક સરખા જ  છે. સસ્પેન્સના અઠંગ ચાહકો માટે પણ પડકાર જેવી છે. માર્ટિન જોસેફની ‘દ્રિદમ’ ફિલ્મ. કામ પડતાં મૂકીને પણ જરૂર જોવા જેવી...