થાણે: થાણે જિલ્લાના ડોંબિવલીમાં વિવાદને લઇ 60 વર્ષના વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણે 20 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ડોંબિવલી વિસ્તારમાં મંગળવારે મોડી રાતે આ ઘટના બની હતી. આરોપીઓ ધાવડી વિસ્તારના રહેવાસીઓ હોઇ મૃતક બામા જાધવ અનુસૂચિત જાતીનો હતો અને આરોપીઓનો પડોશી હતો. તેમની વચ્ચે ઘણા સમયથી વિવિધ મુદ્દાઓને લઇ વિવાદ ચાલી રહ્યો હતો.
મંગળવારે રાતે તેમની વચ્ચે ફરી ઝઘડો થયો હતો, જેને પગલે આરોપીઓએ બામા જાધવ અને તેના પરિવારના સભ્યો પર લાઠી તેમ જ લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો, એમ માનપાડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર મહેશ બંડગરે જણાવ્યું હતું.
હુમલામાં બામા જાધવનું ગંભીર ઇજાને કારણે ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને જાધવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલ્યા બાદ પોલીસે મહિલા તથા તેના પરિવારના સભ્યો સહિત 20 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)