નવી દિલ્હીઃ પાટનગરમાં રવિવારે આઠમા નંબરની દિલ્હી કૅપિટલ્સે (DC) ચાર બૉલ બાકી રાખવાની સાથે પાંચ વિકેટના માર્જિનથી જીતીને પ્લે-ઑફ માટેની આશા જીવંત રાખી હતી. બીજી તરફ, પ્લે-ઑફ માટેનો દાવો મજબૂત કરવાનો મજસૂબો ધરાવતી પાંચમા નંબરની રાજસ્થાન રૉયલ્સ (RR)ની ચિંતા દિલ્હીએ વધારી દીધી હતી. કટોકટીના સમયે રાજસ્થાને આ હારની હૅટ-ટ્રિક જોવી પડી છે. પંજાબની જેમ રાજસ્થાને પણ એક સમયે પૉઇન્ટ્સમાં મોખરે રહ્યા પછી હવે પ્લે-ઑફ માટે ફાંફા મારવા પડી રહ્યા છે.
કેટલાક તબક્કે દિલ્હી માટે 194 રનનો લક્ષ્યાંક પડકારરૂપ થઈ ગયો હતો. જોકે એણે 19.2 ઓવરમાં પાંચ વિકેટે 197 રન બનાવીને રોમાંચક મૅચમાં વિજયના બે પૉઇન્ટ પોતાના કબજામાં કરી લીધા હતા. અભિષેક પોરેલ (51 રન, 31 બૉલ, એક સિક્સર, સાત ફોર) અને કેએલ રાહુલ (56 રન, 42 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર)ની ઓપનિંગ જોડીએ 105 રનની ભાગીદારીથી દિલ્હીની જીતનો પાયો નાખ્યો હતો. જોકે એ તબક્કે 28 રનમાં ત્રણ વિકેટ પડતાં અક્ષર પટેલની ટીમ માટે `દિલ્હી દૂર' જેવી સ્થિતિ સર્જાઈ હતી.
પહેલાં બ્રિજેશ શર્મા અને પછી દાસુન શનાકા ત્રાટક્યો હતો. વનડાઉનમાં મૂળ નાશિકનો સાહિલ પરખ (નવ રન) પણ સસ્તામાં આઉટ થઈ ગયો હોવાથી બધો બોજ કૅપ્ટન અક્ષર પટેલ (34 અણનમ, 18 બૉલ, બે સિક્સર, બે ફોર) અને પછીના બૅટ્સમેન પર આવી પડ્યો હતો. એ તબક્કે દિલ્હીની ઇનિંગ્સ ખૂબ ધીમી ગતિએ અને આતશબાજી વિના આગળ વધી હતી. એવામાં ટ્રિસ્ટેન સ્ટબ્સે (ચાર રન) કૅપ્ટન અક્ષરનો સાથ છોડ્યો હતો અને દિલ્હી માટે વિજય મુશ્કેલ બનાવીને રાજસ્થાનના ખેલાડીઓ ખુશખુશાલ હતા. મૅચ-ફિનિશર ડેવિડ મિલર આતશબાજી કરવા સિવાય કોઈ છૂટકો નથી એવા મનસૂબા સાથે અક્ષર સાથે જોડાયો હતો.
એ તબક્કે મૅચમાં રસાકસી વધી ગઈ હતી. દિલ્હીના બૅટ્સમેનો શરૂઆતથી કોઈ જોખમ ઉઠાવવાને બદલે ખૂબ સાવચેતીપૂર્વક રમ્યા હતા. બેમાંથી કોઈ પણ ટીમ જીતી શકે એમ હતી. 18મી ઓવર સાઉથ આફ્રિકન ઑફ સ્પિનર ડૉનોવાન ફરેરાએ કરી હતી જેના અંતિમ બૉલમાં અક્ષરે છગ્ગો ફટકારીને જીત લગભગ નિશ્ચિત કરી આપી હતી. ફરેરાની એ ઓવરમાં કુલ 16 રન બન્યા હતા અને છેવટની ઓવર્સમાંથી એ ઓવર ટર્નિંગ પૉઇન્ટ બની હતી. જોકે ઓપનર અભિષેક પોરેલની વિકેટ લઈ ચૂકેલા પેસ બોલર બ્રિજેશ શર્માએ મિલરને મૅજિક બતાવવાથી વંચિત રાખ્યો હતો. મિલર પોતાના માત્ર નવ રનના સ્કોર પર બ્રિજેશના બૉલમાં ડીપ મિડવિકેટમાં શનાકાને કૅચ આપી બેઠો હતો.

અક્ષરને સાથ આપવા આશુતોષ શર્મા (18 અણનમ, પાંચ બૉલ, બે સિક્સર, એક ફોર) ક્રીઝમાં આવ્યો હતો. તેણે છેક સુધી અક્ષરને સપોર્ટ આપ્યો હતો અને ઍડમ મિલ્નની 20મી ઓવર કે જેમાં જીતવા દિલ્હીએ સાત રન કરવાના હતા ત્યારે આશુતોષે પહેલા બે બૉલમાં અનુક્રમે ચોગ્ગો અને છગ્ગો ફટકારીને દિલ્હીની નૌકા પાર કરાવી હતી. રાજસ્થાન વતી જોફ્રા આર્ચર તથા બ્રિજેશ શર્માએ બે-બે વિકેટ અને દાસુન શનાકાએ એક વિકેટ લીધી હતી.
એ પહેલાં, રાજસ્થાને આઠ વિકેટે 193 રન બનાવીને દિલ્હીને 194 રનનો જે લક્ષ્યાંક આપ્યો એમાં સૌથી મોટું યોગદાન વૈભવ સૂર્યવંશી (46 રન, 21 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર), ધ્રુવ જુરેલ (53 રન, 40 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) અને કૅપ્ટન રિયાન પરાગ (51 રન, 26 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર)નું હતું. જોકે ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક (4-0-40-4) દિલ્હીની વહારે આવ્યો હતો. રાજસ્થાનની આઠમાંથી ચાર વિકેટ તેણે તેમ જ બે-બે વિકેટ લુન્ગી ઍન્ગિડી અને માધવ તિવારીએ લીધી હતી.
એ અગાઉ, ઓપનર યશસ્વી જયસ્વાલે મિચલ સ્ટાર્કની પ્રથમ ઓવરમાં ત્રણ ચોગ્ગાની મદદથી 12 રન કર્યા ત્યાર બાદ બીજી ઓવર લુન્ગી ઍન્ગિડીએ કરી હતી જેના પહેલા જ બૉલમાં વૈભવ સૂર્યવંશીએ સિક્સર ફટકારીને બુમરાહ તથા સિરાજ પછી તેને પણ પ્રથમ બૉલના આંચકાની ઝલક કરાવી દીધી હતી. 15 વર્ષના સૂર્યવંશીએ દિલ્હીના ઍન્ગિડી તથા સ્ટાર્ક જેવા જાણીતા બોલરની બોલિંગમાં ફટકાબાજી કરી અને તેમની ઓવરને હેમખેમ પસાર કરી ત્યાં નવોસવો પેસ બોલર માધવ તિવારી તેની વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
મધ્ય પ્રદેશના બાવીસ વર્ષીય માધવે વૈભવ સૂર્યવંશીને લૉન્ગ-ઑફ પર ડેવિડ મિલરના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. એ અગાઉ, માધવે પંજાબના પ્રિયાંશ આર્ય તથા કૂપર કૉનોલીની વિકેટ લીધી હતી એટલે વૈભવની વિકેટ તેના માટે ત્રીજી પ્રાઇઝ વિકેટ હતી.
સોમવારે કઈ મૅચ?
ચેન્નઈ વિરુદ્ધ હૈદરાબાદ
ચેન્નઈમાં, સાંજે 7.30