નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે આતંકી હુમલાના કાવતરાને અંજામ મળે એ પહેલા જ નિષ્ફળ બનાવી દીધો છે. ISIના 9 આતંકીને પકડી લેવામાં આવ્યા છે અને યુદ્ધના ધોરણે પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાંથી એ વાત સામે આવી છે કે, આ નવેય વ્યક્તિઓના રોલ અલગ અલગ રહ્યા હતા. કોઈ આતંકવાદીઓ બનાવવા માટે યુવાનોની ભરતી કરતું તો કોઈ હુમલો કરવાની તૈયારીઓ કરતું, કોઈ હથિયાર લઈને દિલ્હી આવી રહ્યું હતું તો કોઈ ફંડિંગ અને સેફ લોકેશનની વ્યવસ્થા કરતું હતું.
પાકિસ્તાન ક્નેક્શન મળી આવ્યું
પ્રાથમિક તપાસમાંથી એ વાત સામે આવી છે કે, આ તમામ આતંકી પાકિસ્તાનમાં બેઠેલા કોઈ મોટા આકાના સંપર્કમાં હતા. આ તમામ લોકોને જુદી-જુદી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. તપાસની શરૂઆત ઉત્તર પ્રદેશથી શરૂ થઈ હતી, જેમાં પહેલા વિજય ઉર્ફે શુટરનું નામ સામે આવ્યું છે. વિજય રાજારામ મિર્ઝાપુર જિલ્લાના કછવાં વિસ્તારના બજાહા ગામનો રહેવાસી છે. સ્પેશ્યલ સેલને બાતમી મળી હતી કે, વિજય સતત પાકિસ્તાન અને દુબઈમાં બેઠેલા શાહજાદ ભટ્ટીના નેટવર્કમાં છે. પૂછપરછમાં એ વિગત પણ સામે આવી છે કે, વિજય દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આતંકી પ્રવૃતિને અંજામ આપવા માટે યુવાનોની ભરતી કરતો હતો. યુવાનોને ભેગા કરીને એક નેટવર્ક બનાવાવની જવાબદારી હતી. રિક્રુટરની ભૂમિકામાં વિજય હતો.
પોલીસ પણ કામે લાગી
નિતિશ પાસવાન. જે ઝારખંડના સાહિબગંજ જિલ્લાનો રહેવાસી છે. એના પિતાનું નામ નવલ કિશોર છે અને સાકરોગાઢ ગેસ ગોદામ વિસ્તારમાં એનું ઘર છે. વિજયની પૂછપરછ બાદ એનું નામ સામે આવ્યું હતું.. 17 મેના રોજ એની ધરપકડ કરવામાં આવી હતી.તપાસ કરતા એ જાણવા મળ્યું કે, નિતિશ સતત વિજયના સંપર્કમાં હતો. નેટવર્કની પ્રવૃતિઓમાં મદદ કરતો.
પોલીસે એની હિસ્ટ્રી શોધવા માટે પોતાના સૂત્રોને કામે લગાડી દીધા છે. તૌકીર રિઝવાન અહમદ શેખ નામનો શખ્સ મુંબઈના મુંબ્રા વિસ્તારનો રહેવાસી છે. 27 મેના રોજ એમની પણ ધરપકડ કરવામાં આવી છે. તપાસમાંથી સામે આવ્યું હતું કે, તૌકીર ડાયરેક્ટ ISIના હેન્ડલર યાવર ખાન અને મુન્ના ઝિંગાડાના સંપર્કમાં હતો. પોલીસના જણાવ્યા અનુસાર એને દિલ્હી અને મુંબઈમાં સુરક્ષા પ્રતિષ્ઠાન તથા પોલીસકર્મીઓને ટાર્ગેટમાં લેવાની જવાબદારી હતી. તૌકીર ફરાર આરોપી હુજૈફાના પણ સંપર્કમાં હતો. હુજૈફાના પણ પાકિસ્તાનમાં કોન્ટેક્ટ હતા.
મુંબઈથી બીજો આરોપી પકડાયો
મુંબઈમાં ધરપકડ કરાયેલો બીજો આરોપી સાજિદ મહેબૂબ શેખ છે, જેને અરબાઝ ખાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મુંબઈના કુર્લા વિસ્તારનો રહેવાસી છે. તૌકીરની જેમ, અરબાઝ પણ પાકિસ્તાન સ્થિત હેન્ડલરોના સંપર્કમાં હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે, તેને પણ ગ્રેનેડ હુમલા અને ગોળીબાર જેવી આતંકવાદી પ્રવૃત્તિઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યો હતો.
પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેને કયા સંભવિત લક્ષ્યો પર હુમલો કરવાની સૂચના આપવામાં આવી હતી. હરવિંદર સિંહ પંજાબના લુધિયાણા જિલ્લાના ડેહલોન વિસ્તારનો રહેવાસી છે. તે હરભજન સિંહનો પુત્ર છે. તપાસ મુજબ, હરવિંદર એ ત્રણ આરોપીઓમાંનો એક હતો જે મોટા ગુનાને અંજામ આપવાના ઈરાદાથી દિલ્હી પહોંચ્યો હતો.
નેટવર્કમાં હતી સક્રિય ભૂમિકા
પોલીસે 30 મેની રાત્રે મહેરૌલી-બદરપુર રોડ પરથી તેની ધરપકડ કરી હતી. ધરપકડ દરમિયાન હથિયારો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા. તપાસ એજન્સીઓનું માનવું છે કે હરવિંદરને ચોક્કસ મિશન માટે તૈયાર કરવામાં આવ્યો હતો. ગગનદીપ સિંહ પણ લુધિયાણા જિલ્લાનો રહેવાસી છે. તે ગુરદીપ સિંહનો પુત્ર છે અને પંજાબ મોડ્યુલનો સક્રિય સભ્ય હોવાનું જાણવા મળે છે.
પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ દ્વારા દિલ્હી મોકલવામાં આવેલા ત્રણ વ્યક્તિઓમાં ગગનદીપનો પણ સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેની પાસેથી મળેલી સામગ્રી અને ડિજિટલ પુરાવા આ નેટવર્કમાં તેની સક્રિય ભૂમિકા તરફ ઈશારો કરે છે.