Sat Sep 05 2026

Logo

પાલઘરની આશ્રમ શાળાના સાત વર્ષના વિદ્યાર્થીનું મૃત્યુ: 26 હૉસ્પિટલભેગા

2026-08-25 17:34:57
Author: Yogesh C. Patel
પાલઘરની આશ્રમ શાળાના સાત વર્ષના વિદ્યાર્થીનું મૃત્યુ: 26 હૉસ્પિટલભેગા

પ્રતીકાત્મક તસવીર


તાવ પછી એકાએક ઑક્સિજન લેવલ નીચું જતાં બાળકે જીવ ગુમાવ્યો: અન્ય વિદ્યાર્થીઓમાં પણ શરદી-ખાંસી અને તાવનાં લક્ષણ

પાલઘર: ગઢચિરોલીમાં આશ્રમ શાળાની હોસ્ટેલમાં જમીન પર સૂતેલી ત્રણ બાળકીનાં સર્પદંશને કારણે મૃત્યુ થયાની ઘટના હજી તાજી છે ત્યાં પાલઘરની આશ્રમ શાળાના સાત વર્ષના વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી હતી. તાવ પછી એકાએક ઑક્સિજન લેવલ નીચું જતાં બાળકે જીવ ગુમાવ્યો હતો, જ્યારે વિદ્યાર્થીને શરદી-ખાંસી અને તાવનાં લક્ષણને પગલે 26 વિદ્યાર્થીને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

અધિકારીના જણાવ્યા મુજબ માસવન ખાતેની આશ્રમ શાળામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતા સાત વર્ષના શ્રેયસ આંબટને બાવીસ ઑગસ્ટે સખત તાવ આવ્યો હતો. સારવાર માટે તેને સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો હતો.વિદ્યાર્થીને સોમવારે પાછો તાવો આવ્યો હતો. આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસરે તેનું ઑક્સિજન લેવલ્સ નીચું ગયું હોવાનું નોંધ્યું હતું, જેને પગલે તેને એમ્બ્યુલન્સમાં મનોરની ગ્રામીણ હૉસ્પિટલમાં લઈ જવાની ભલામણ કરાઈ હતી.

જોકે બાળકને હૉસ્પિટલમાં લઈ જતાં તબીબે ઈસીજી કર્યું હતું અને પછી તેને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમના અહેવાલ પછી જાણી શકાશે, એમ પોલીસે જણાવ્યું હતું.
ઘટનાને પગલે આરોગ્ય અને વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓે આશ્રમશાળામાં પહોંચ્યા હતા. શાળાના 395 નિવાસી વિદ્યાર્થીઓની કૅમ્પસમાં આરોગ્ય તપાસણી કરાઈ હતી. સતર્કતાના પગલા તરીકે શરદી, ખાંસી અને તાવનાં લક્ષણ ધરાવતા 26 વિદ્યાર્થીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયા હતા. તેમનું સ્વાસ્થ્ય સુધારા પર હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આદિવાસી વિકાસ પ્રકલ્પ અધિકારી વિશાલ ખત્રીએ શાળા અને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે તેમણે ચર્ચા પણ કરી હતી.માસવાન આશ્રમ શાળામાં નવેસરથી આરોગ્યની તપાસની જિલ્લા આરોગ્ય અધિકારીએ સૂચના આપી હતી. એ સિવાય સેનિટેશન અને જળશુદ્ધિ માટે જરૂરી પગલાં લેવાઈ રહ્યાં છે. (પીટીઆઈ)