નવી દિલ્હીઃ શ્રીલંકાના ટી-20 ટીમના કેપ્ટન દાસુન શનાકાએ પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)2026માંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. તેણે પીએસએલના બદલે ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) 2026માં રમવાનો નિર્ણય લીધો છે.
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દાસુન શનાકા આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સ (આરઆર) તરફથી રમી શકે છે. તે રાજસ્થાન રોયલ્સમાં ઝડપી બોલર સેમ કુરનનું સ્થાન લેશે. કુરન ઈજાના કારણે ટુનામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
નોંધનીય છે કે દાસુન શનાકા અગાઉ આઈપીએલ 2023માં ગુજરાત ટાઇટન્સ તરફથી રમ્યો હતો. તે સીઝનમાં તેણે ત્રણ મેચ રમી હતી અને 26 રન કર્યા હતા. આઈપીએલ 2026ની મિનિ હરાજીમાં તેને કોઈ ટીમે ખરીદ્યો નહોતો.
સેમ કુરન ઈજાના કારણે બહાર થઈ જતા રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો લાગ્યો હતો. જોકે રાજસ્થાન શનાકાને ટીમમાં સામેલ કરીને કુરનની ખોટ પુરો કરવાનો પ્રયાસ કરશે. શનાકા બોલિંગ અને બેટિંગમાં યોગદાન આપી શકે છે.
એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે જોકે હજુ શ્રીલંકા ક્રિકેટ તરફથી એનઓસી મળવાનું બાકી છે. શનાકાએ પાકિસ્તાન સુપર લીગ કરતાં આઈપીએલને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકન ઓલરાઉન્ડરને લાહોર કલંદર્સમાં સામેલ કરાયો છે.