Thu Jun 18 2026

Logo
IPL 2026:

આજે તળિયાની બે ટીમમાંથી કોણ મુસીબતમાંથી બહાર આવશે?

2026-04-14 18:04:00
Author: Ajay Motiwala
Article Image

આયુષ-અંગક્રિશ વચ્ચે અને સૅમસન-ઍલન વચ્ચે હરીફાઈઃ બન્નેના કૅપ્ટનની કસોટી

ચેન્નઈઃ પાંચ ટાઇટલ જીતનાર ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) અને ત્રણ ટ્રોફી ધરાવતા કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) હાલમાં પૉઇન્ટ્સ-ટેબલમાં સાવ તળિયે છે અને તેમની વચ્ચે આજે (સાંજે 7.30 વાગ્યાથી) મુકાબલો છે જે જીતનારી ટીમ મુંબઈ ઇન્ડિયન્સની ટીમને વધુ નીચે ઉતારી શકશે. જોકે સૌથી મોટો સવાલ એ છે કે આજે ચેન્નઈ અને કોલકાતામાંથી કઈ ટીમ જીતીને મુસીબતમાંથી બહાર આવી શકશે?

ચેન્નઈની ટીમ આ વખતે ચારમાંથી એક જ મૅચ જીતી છે, જ્યારે કોલકાતાએ હજી જીતવાની શરૂઆત કરી જ નથી. ચેન્નઈ પાસે માત્ર બે પૉઇન્ટ છે અને કોલકાતા પાસે અનિર્ણીત મૅચનો એકમાત્ર પૉઇન્ટ છે. બન્ને ટીમના કૅપ્ટનની આકરી કસોટી થશે. ચેન્નઈના સુકાની ઋતુરાજ ગાયકવાડનો પર્ફોર્મન્સ આ વખતે નિરાશાજનક (6, 28, 7 અને 15) રહ્યો છે. પોતાની ટીમને જિતાડવા ઉપરાંત બૅટ્સમૅન તરીકે પણ મોટું યોગદાન આપવાનું તેના પર દબાણ છે. કોલકાતાના સુકાની અજિંક્ય રહાણેની ચાર મૅચમાં એક જ હાફ સેન્ચુરી છે. તેણે મુંબઈ સામે અણનમ 67 રન કર્યા હતા, પણ એ મુકાબલામાં કોલકાતાનો પરાજય થયો હતો. ત્યાર બાદ હૈદરાબાદ સામે રહાણે માત્ર આઠ રન બનાવી શક્યો હતો, પંજાબ સામે વરસાદને કારણે અનિર્ણીત રહેલી મૅચમાં તે આઠ રને અણનમ રહ્યો હતો અને ચાર દિવસ પહેલાં તેણે લખનઊ સામે 41 રન કર્યા હતા.

આજે બન્ને કૅપ્ટનની કસોટી થશે એ ઉપરાંત બન્નેના યુવાન બૅટ્સમેન પણ ચડિયાતા પુરવાર થવા કોઈ કસર બાકી નહીં રાખે. હાલમાં સૌની નજર ચેન્નઈ (Chennai)ના અન્ડર-19 વર્લ્ડ ચૅમ્પિયન સુકાની આયુષ મ્હાત્રે પર છે. 18 વર્ષના આયુષે ત્રીજી એપ્રિલે પંજાબ સામે 73 રન અને 11મી એપ્રિલે દિલ્હી સામે 59 રન કર્યા હતા. કોલકાતા (Kolkata)નો 21 વર્ષીય અંગક્રિશ રઘુવંશી પણ ચર્ચામાં છે. આ વખતે ચાર મૅચમાં તેની બે હાફ સેન્ચુરી (51 રન અને બાવન રન) અને એક મૅચમાં તેણે 45 રન કર્યા હતા. કમનસીબે એ ત્રણેય મૅચમાં કોલકાતાનો પરાજય થયો હતો. અંગક્રિશને કોલકાતાએ ત્રણ કરોડ રૂપિયામાં મેળવ્યો છે.

ચેન્નઈનો ઓપનર સંજુ સૅમસન આ વખતનો એકમાત્ર સેન્ચુરિયન છે અને તેની તુલનામાં કોલકાતાના ઓપનર ફિન ઍલને આજે અપેક્ષા મુજબ અસાધારણ પર્ફોર્મ કરી દેખાડવું પડશે. ઍલનને કોલકાતાનું ફ્રૅન્ચાઇઝી આ સીઝન રમવાના બે કરોડ રૂપિયા આપશે. જોકે તાજેતરના ટી-20 વર્લ્ડ કપની સાઉથ આફ્રિકા સામેની સેમિ ફાઇનલમાં ઍલને અણનમ 100 રનનો જે શાનદાર પર્ફોર્મન્સ બતાવ્યો હતો એવું આજે રમશે એવી કોલકાતાના ફ્રૅન્ચાઇઝીની અપેક્ષા હશે.

ચેન્નાઇના ડેવાલ્ડ બ્રેવિસ અને કોલકાતાના રૉવમેન પૉવેલના બૅટમાંથી આજે રનનો ધોધ વહેતો નવાઈ નહીં લાગે. બંને હરીફ ખેલાડી સોમવારે પ્રેક્ટિસ દરમ્યાન એકબીજાને મળ્યા હતા.

બન્નેની સંભવિત ટીમ

ચેન્નઈઃ ઋતુરાજ ગાયકવાડ (કૅપ્ટન), સંજુ સૅમસન (વિકેટકીપર), આયુષ મ્હાત્રે, ડેવાલ્ડ બે્રવિસ, શિવમ દુબે, સરફરાઝ ખાન, જૅમી ઓવર્ટન, અકીલ હોસૈન, અંશુલ કમ્બોજ, નૂર અહમદ, ખલીલ અહમદ અને (12મો પ્લેયર) ગુર્જપનીત સિંહ.

કોલકાતાઃ અજિંક્ય રહાણે (કૅપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), ફિન ઍલન, કૅમેરન ગ્રીન, રિન્કુ સિંહ, રૉવમૅન પૉવેલ, રમણદીપ સિંહ, સુનીલ નારાયણ, અનુકૂલ રૉય/વરુણ ચક્રવર્તી, નવદીપ સૈની, કાર્તિક ત્યાગી અને (12મો પ્લેયર) વૈભવ અરોરા.