Thu Jun 18 2026

Logo

એપ્રિલ 2024 બાદ CSKએ કર્યું આ કારનામું, ધોનીએ સતત 5મી મેચ ગુમાવતાં જ રચાયો ઈતિહાસ

2026-04-15 10:35:00
Author: Mayurkumar Patel
Article Image

નવી દિલ્હીઃ આઈપીએલ 2026માં ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. ચેન્નઈએ પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટના નુકસાન પર 192 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 160 રન બનાવી શકી હતી. ચેન્નઈનો 32 રનથી વિજય થયો હતો. સીએસકેએ સતત બીજી જીત મેળવી હતી. એપ્રિલ 2024 બાદ CSK સળંગ બે મેચ જીત્યું હતું. 

ચેન્નઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડી ધોનીએ સળંગ પાંચમી મેચ ગુમાવી હતી. જેની સાથે જ ઈતિહાસ રચાયો હતો. ધોની આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વખત કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમવા ઉતર્યો નહોતો. આઈપીએલ 2026ની આ મેચ પહેલા આઈપીએલના ઈતિહાસમાં બંને ટીમો 32 વખત ટકરાઈ હતી. આ તમામ મેચમાં ધોની હતો પરંતુ પ્રથમ વખત ધોની  કેકેઆર સામે સીએસકેની પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો નહોતો.

ફેંસ કેપ્ટન કૂલ જલદી મેદાન પર વાપસી કરશે તેવી આશા રાખી રહ્યા છે, જોકે હાલ તેની વાપસીની તારીખને લઈ સસ્પેંસ યથાવત્ છે. ધોની ફિટ થઈને પરત ફરશે તો સીએસકે માટે આ સીઝન ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે.

રહાણેએ બોલરોની પ્રશંસા કરી

હાર બાદ KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યું કે બોલિંગમાં ટીમે સારું પ્રદર્શન કર્યું છે. આ વિકેટ પર 190 રનનો સ્કોર ઘણો મોટો હતો. જે રીતે અમે ચેન્નાઈને 190 સુધી મર્યાદિત રાખ્યું, તે પ્રશંસનીય હતું. જોકે, અમારી બેટિંગને જોતા અમારે છેલ્લે સુધી ટકી શકે તેવા બેટ્સમેનની જરૂર હતી.

તેણે વધુમાં ઉમેર્યું કે, કોમ્બિનેશનની દૃષ્ટિએ જોઈએ તો, છેલ્લી મેચ અને આ મેચમાં અમારી પાસે જે ટીમ હતી તે ખરેખર સારી હતી. જ્યારે તમે મેચ નથી જીતી શકતા ત્યારે મુશ્કેલ સમય હોય છે, પરંતુ આવા સમયે આપણે આપણું મનોબળ ઊંચું રાખવાનું છે અને હિંમત જાળવી રાખવાની છે. જો પરિણામ તમારા પક્ષમાં ન આવતું હોય, તો તમારે ટીમના કોમ્બિનેશન વિશે વિચારવું પડે છે.

કાર્તિક ત્યાગી ખરેખર ખૂબ જ સારી બોલિંગ કરી રહ્યો છે, જેનો પૂરો શ્રેય તેને જાય છે. તે જે ગતિથી બોલિંગ કરી રહ્યો છે તે શાનદાર છે. તે પોતાની કુશળતામાં સુધારો કરી રહ્યો છે. બેટ્સમેનો માટે મોટા  છગ્ગા મારવા સરળ નથી. બંને ટીમોના સ્પિનરોએ પણ ખૂબ જ સરસ બોલિંગ કરી હતી.