ઢાકા: બાંગ્લાદેશમાં આ મહિને મેન્સ ક્રિકેટમાં બાંગ્લાદેશ (BANGLADESH) અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે વન-ડે તથા ટી-20 સિરીઝ રમાવાની છે અને વિમેન્સ ક્રિકેટમાં બાંગ્લાદેશની શ્રીલંકા સામે સિરીઝ (SERIES) રમાશે જેના સંબંધમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ઊર્જા બચાવવા માટે મૅચના સમયમાં મોટા ફેરફાર કર્યા છે.
બાંગ્લાદેશ અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની પુરુષોની સિરીઝો ઢાકા અને ચટગાંવમાં રમાવાની છે. તમામ મૅચો ડે-નાઈટ હતી, પરંતુ પશ્ચિમ એશિયાના યુદ્ધને લઈને વર્તમાન પરિસ્થિતિ જોતાં હવે એવું નક્કી થયું છે કે આ મૅચો ત્રણ કલાક વહેલી શરૂ કરવામાં આવશે. વન-ડે બપોરે 2:00 વાગ્યાને બદલે સવારે 11:00 વાગે શરૂ કરવામાં આવશે કે જેથી સાંજે 6:30 વાગે મૅચ પૂરી થાય એટલે વીજળીનો વપરાશ કરવાની જરૂર ન પડે.
એ જ પ્રમાણે ટી-20 મૅચ મોડી સાંજે શરૂ કરવાને બદલે બપોરે 2:00 વાગે શરૂ કરાશે અને સાંજે 5:00 વાગ્યાની આસપાસ મૅચનો અંત આવી જશે.
બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મહિલા ટી-20 સિરીઝની મૅચ સાંજે 6.00 વાગ્યાને બદલે બપોરે 1:30 વાગ્યે શરૂ કરાશે અને 5:00 વાગ્યાની આસપાસ મૅચ પૂરી થઈ જશે એટલે ઇલેક્ટ્રિસિટીનો વપરાશ કરવાની જરૂર નહીં પડે.
જોકે આ નિર્ણયથી સ્ટેડિયમમાં પ્રેક્ષકોની સંખ્યા ઓછી હશે, કારણકે બપોરના સમયે લોકો નોકરી-ધંધામાં વ્યસ્ત રહેતા હોય છે અને મોડી સાંજે મૅચ જોવા આવતા હોય છે. જોકે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ હાલની સ્થિતિ જોતા ઊર્જા-બચત પર પણ ધ્યાન આપવા મક્કમ છે. ક્રિકેટ બોર્ડનો આ નિર્ણય ઐતિહાસિક છે.