Mon Jun 01 2026

Logo

ભારત દેશ બનશે અભેદ કિલ્લો! દેશના 244 જિલ્લામાં લાગશે 'એર રેડ વોર્નિંગ સિસ્ટમ'

2026-06-01 12:01:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી: ભારત સરકારે દેશની સુરક્ષા વ્યવસ્થા અને નાગરિક સંરક્ષણને વધુ મજબૂત કરવા માટે એક અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે. કેન્દ્ર સરકાર દેશના તેવા 244 સંવેદનશીલ અને સરહદી જિલ્લાઓમાં અત્યાધુનિક એર રેડ વોર્નિંગ સિસ્ટમ (ARWS) લગાવવા જઈ રહી છે, જે સંભવિત યુદ્ધ કે હવાઈ હુમલાની સ્થિતિમાં સૌથી પહેલા દુશ્મનની ઝપેટમાં આવી શકે છે.

મહત્વની વાત એ છે કે, ગયા વર્ષે પાકિસ્તાન સામે થયેલા 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પશ્ચિમી સરહદે રાજસ્થાનથી લઈને જમ્મુ-કાશ્મીર સુધી પાકિસ્તાને મોકલેલા સેંકડો સસ્તા ડ્રોન દ્વારા મચાવેલા ઉત્પાત બાદ આ પ્રકારની આધુનિક સિવિલિયન ડિફેન્સ સિસ્ટમની જરૂરિયાત ખૂબ જ વધારે અનુભવાઈ રહી હતી.

એરફોર્સના નિવૃત્ત વિંગ કમાન્ડર કક્ષાના અધિકારીઓ સંભાળશે કમાન

મીડિયા રિપોર્ટસ્ પ્રમાણે, આ પ્રોજેક્ટને સંપૂર્ણ સચોટ અને વ્યાવસાયિક બનાવવા માટે કેન્દ્ર સરકારે ભારતીય વાયુસેના (IAF) ના નિવૃત્ત અધિકારીઓની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પ્રોજેક્ટનું નેતૃત્વ એવા ભૂતપૂર્વ એરફોર્સ ઓફિસર્સ કરશે, જેઓ એર ડિફેન્સ ઓપરેશન, રડાર સિસ્ટમ અને એર-રેડ પ્રોસિજરમાં લાંબો અનુભવ ધરાવે છે. આ નિમણૂકોમાં વિંગ કમાન્ડર કે તેથી ઉપરના રેન્કના નિવૃત્ત અધિકારીઓને કન્સલ્ટન્ટ તરીકે સામેલ કરવામાં આવી રહ્યા છે.

પ્રોજેક્ટની મુખ્ય બાબતો શું છે?

દેશના કુલ 244 જિલ્લા કવર કરી દેશના મોટાભાગના સરહદી અને વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ જિલ્લાઓ આ વોર્નિંગ નેટવર્ક સાથે જોડાશે.  આ સિસ્ટમ માત્ર ફાઈટર જેટ જ નહીં, પરંતુ તમામ પ્રકારના આધુનિક ડ્રોન, લોઇટરિંગ મ્યુનિશન અને મિસાઈલોને પણ ટ્રેક કરીને નાગરિકોને એલર્ટ કરશે. ઓપરેશન સિંદૂર બાદ કરાયેલા આંતરિક મૂલ્યાંકનમાં સામે આવ્યું હતું કે દેશના સરહદી વિસ્તારોમાં રહેલી ઘણી એર વોર્નિંગ સિસ્ટમ કાં તો યોગ્ય રીતે કામ નહોતી કરી રહી અથવા તો ખૂબ જ જૂની થઈ ચૂકી હતી. તે સમયે તાત્કાલિક સાયરન વગાડીને કામ ચલાવવું પડ્યું હતું. નવી યુદ્ધ પદ્ધતિમાં ડ્રોનનો ઉપયોગ મોટા પાયે થઈ રહ્યો હોવાથી સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે આ સિસ્ટમ અનિવાર્ય બની છે.