નરીમન પોઇન્ટની હોટેલમાંથી મૃત અવસ્થામાં મળ્યા: છેલ્લે વાડખેડેની મેચમાં જોવા મળેલા
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2026ની મેચો માટે બીસીસીઆઇ સાથે કામ કરતા 76 વર્ષના બ્રિટિશ બ્રોડકાસ્ટ એન્જિનિયર દક્ષિણ મુંબઈના નરીમન પોઇન્ટ પર આવેલી ફાઇવસ્ટાર હોટેલની રૂમમાં સોમવારે સવારના બેભાન અવસ્થામાં મળી આવ્યા બાદ તેમનું મૃત્યુ થયું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. મૃતકની ઓળખ જૅન વિલિયમ લેંગફોર્ડ (76) તરીકે થઇ હતી, જેઓ આઇપીએલ 2026 સીઝન માટે શહેરમાં હતા અને હોટેલ ટ્રાઇડેન્ટમાં રોકાયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લેંગફોર્ડ 29 માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં યોજાયેલી મેચ વખતે ત્યાં હાજર હતા. મેચ પત્યા બાદ તેઓ હોટેલની રૂમમાં પાછા ફર્યા હતા. બીજે દિવસે સવારે તેમને વારંવાર કૉલ કરવામાં આવ્યા છતાં કોઇ જ પ્રતિસાદ મળ્યો નહોતો. આથી ચિંતિત હોટેલનો સ્ટાફ તપાસ કરવા માટે ગયો હતો. તેઓ રૂમનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા ત્યારે લેંગફોર્ડ જમીન પર બેભાન અવસ્થામાં પડેલા મળી આવ્યા હતા.

લેંગફોર્ડને તાત્કાલિક બોમ્બે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. લેંગફોર્ડના મૃતદેહને બાદમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો અને તેમાં કશું જ વાંધાજનક મળ્યું નહોતું. મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલ અને તેની સાથે સંકળાયેલા તમામે લેંગફોર્ડના અકાળ અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. લેંગફોર્ડ સમર્પિત બ્રોડકાસ્ટ એન્જિનિયર હતા અને અમારા તમામ બ્રોડકાસ્ટ ઓપરેશન્સનો ભાગ હતા, એમ આઇપીએલે એક નિવેદનમાં કહ્યું હતું.