નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી આગામી તા.1 જૂનના રોજ દિલ્હી સ્થિત મુખ્ય કાર્યાલયેથી દેશભરમાં પોતાના અધ્યક્ષ સાથે મહત્ત્વની બેઠક કરશે. આ બેઠકમાં પાર્ટીના સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ સહિત તમામ રાષ્ટ્રીય મહામંત્રી ઉપસ્થિત રહેશે. આ સત્ર દરમિયાન જુદા જુદા રાજ્યમાં પાર્ટીના કામકાજ તથા જરૂરી વિસ્તાર પર ચર્ચા વિચારણા થશે. ભારતીય જનતા પાર્ટી તમામ પ્રદેશ અધ્યક્ષની બેઠકમાં નવા રોડમેપની ચર્ચા કરી શકે છે. આ બેઠક સવારે 11.00 વાગ્યે શરૂ થશે. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે.
સરકારની સિદ્ધિ પ્રજા સુધી પહોંચાડવા કાર્યક્રમો
સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં કેન્દ્ર સરકારમાં સત્તામાં આવ્યા એને 12 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એ અવસર પર યોજાનારા કેટલાક કાર્યક્રમો તથા જનસંપર્ક અભિયાનની રૂપરેખા પર ચર્ચા-વિચારણા કરી શકે છે. આ બેઠકમાં પાર્ટી સંગઠનના મહામંત્રી બી.એલ. સંતોષ સહિત તમામ રાષ્ટ્રીય મહામંત્રી હાજરી આપશે. આ સત્ર દરમિયાન જુદા જુદા રાજ્યમાંથી પાર્ટીના કામકાજ તથા વિસ્તાર અંગે જુદા જુદી યોજનાઓ પર ચર્ચા થશે. આ સાથે કેટલીક સંગઠનાત્મક પ્રવૃતિઓની પણ સમીક્ષા કરવામાં આવશે. આ અભિયાનના માધ્યમથી પાર્ટીનો હેતુ એવી રણનીતિ તૈયાર કરવાનો છે જેનાથી કેન્દ્ર સરકારની સિદ્ધિને પ્રજા સુધી પ્રભાવી રૂપથી પહોંચાડી શકાય.
મુખ્યમંત્રી પરિષદની બેઠક
આ બેઠકના માધ્યમથી પાર્ટી નેતૃત્વનો હેતુ સંગઠનાત્મક સમન્વયને વધારે સશક્ત કરવાનો છે આ સાથે આગામી સમયમાં રાજકીય કાર્યક્રમ સંબંધિત રાજ્યોને કેટલાક સ્પષ્ટ આદેશ આપવાનો છે. આ સિવાય આગામી સમયમાં વિધાનસભા તથા અન્ય ચૂંટણીમાં ચૂંટણીની તૈયારીઓ માટે યોજના, હાલમાં રાજકીય પડકારો, આંતરિક અસંતોષ, નવી ચૂંટણી સંબંધી રણનીતિ તૈયાર કરવાના સંબંધમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવાનો છે.
આ બેઠક દરમિયાન પાર્ટી સંગઠનને બુથ સ્તર પર વધારે મજબૂત કરવા તથા પાર્ટીના કાર્યકર્તા સાથે સક્રિયતા વધારવા પર ભાર મૂકવામાં આવશે. કેન્દ્ર સરકારના ત્રીજા કાર્યકાળમાં પહેલા કેબિનેટના વિસ્તાર માટે તૈયારીઓ થશે. તા.10 જુનના રોજ એનડીએ શઆસિક રાજ્યોના મુખ્યમંત્રી પરિષદની બેઠક યોજાશે. આ પછી કેન્દ્રીય કેબિનેટમાં ફેરબદલી થાય એવી પૂરી શક્યતાઓ છે. આ વિસ્તરણ પૂર્ણ થશે એ પછી ભાજપની કેન્દ્રીય સંગઠનની ટીમ માટે રોડમેપ સામે આવી જશે.
રાજીનામાના એંધાણ
રાજકીય સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર તાજેતરમાં દિલ્હી રાજ્ય એકમના વડા હર્ષ મલ્હોત્રા અને ઉત્તર પ્રદેશના સંગઠન વડા પંકજ ચૌધરી, જ્યાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, તેઓ સંગઠનાત્મક જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટૂંક સમયમાં કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપી શકે છે.
સૂત્રો સૂચવે છે કે, ટોચનું નેતૃત્વ હાલમાં બે મુખ્ય મુદ્દાઓ પર સઘન ચર્ચા કરી રહ્યું છે. મંત્રીમંડળમાં નવા ચહેરાઓનો સમાવેશ કરવો અને રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના નેતૃત્વમાં નવી સંગઠનાત્મક ટીમની રચના કરવી. એવી અપેક્ષા છે કે આ મંત્રીમંડળ વિસ્તરણ મુખ્યમંત્રીઓની બેઠક પછી ટૂંક સમયમાં જ અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.