Sat Jul 18 2026

Logo

ભાવનગર પોલીસની લાલ આંખ: સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવતી મહિલા પાસા હેઠળ ભુજ જેલહવાલે

2026-07-18 17:53:56
Author: Devayat Khatana
Article Image

ભાવનગર:  શહેરમાં સ્પા સેન્ટરની આડમાં ગેરકાયદેસર અને અનૈતિક દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો સામે ભાવનગર જિલ્લા પોલીસે લાલ આંખ કરી છે. શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવતી એક મહિલા વિરૂદ્ધ ભાવનગર જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ દ્વારા પાસાનું વોરંટ ઈસ્યુ કરવામાં આવતાં, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મહિલાની અટકાયત કરી હતી અને તેને ભુજની ખાસ જેલ ખાતે મોકલી આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

​મળતી વિગતો અનુસાર ભાવનગર પોલીસ દ્વારા જિલ્લામાં દારૂ, મિલકત તેમજ શરીર સંબંધી ગુનાઓ અને અનૈતિક દેહ વ્યાપાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાયદાકીય પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી. આ અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો અને સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી રહી હતી.

​દરમિયાન નિલમબાગ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ભાવનગર શહેરમાં સ્પાની આડમાં અનૈતિક દેહ વ્યાપાર ચલાવતા મફતનગર, મહંમદી મસ્જીદની પાસે રહેતા શબાનાબેન થીમ (ઉં.વ. ૩૭) વિરૂદ્ધ પાસા  હેઠળ અટકાયત કરવા માટેની એક વિસ્તૃત દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલવામાં આવી હતી. ​જિલ્લા મેજિસ્ટ્રેટ  દ્વારા આ પાસા દરખાસ્તને ગંભીરતાથી લઈ તેને મંજૂરી આપી મહિલા વિરૂદ્ધ પાસા વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું.

વોરંટ મળતાં જ નિલમબાગ પોલીસે કાયદાકીય જોગવાઈઓ હેઠળ વોરંટની બજવણી કરી, આરોપી મહિલા શબાનાબેન થીમને કસ્ટડીમાં લઈ ગુજરાતની અલગ જેલ પૈકીની 'ખાસ જેલ, ભુજ' ખાતે ધકેલી દીધી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી સ્પાની આડમાં અનૈતિક ધંધા કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.