(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) પરેલમાં આવેલી મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત કે.ઈ.એમ.હોસ્પિટલમાં ચાલતી કેન્ટીનના ઈન્સ્પેકશન દરમ્યાન અસ્વચ્છ પરિસ્થિતિઓ અને ખાદ્ય સુરક્ષા ધોરણોનું ઉલ્લંઘન જોવા મળ્યા બાદ તેનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું છે અને તેને વ્યવસાય બંધ કરવાનો આદેશ આપ્યો છે.
૧૫ જુલાઈના રોજ એફડીએની ઝોન ત્રણ ટીમ દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણ બાદ કે.ઈ.એમ હોસ્પિટલ ખાતે ઓલ્ડ નર્સ હોમ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરથી કાર્યરત મેસર્સ સ્ટેની કેટરર્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
કિંગ એડવર્ડ મેમોરિયલ હૉસ્પિટલ એ ૧૯૨૬ માં સ્થપાયેલી એક પબ્લિક મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફૂડ સેફ્ટી અધિકારીઓને અસ્વચ્છ પરિસ્થિતિઓ અને ખાદ્ય સુરક્ષા અને ધોરણો અધિનિયમ અને સંબંધિત નિયમોની જોગવાઈઓનું ઉલ્લંઘન મળ્યા બાદ કેન્ટીનની કામગીરી બંધ કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સ્ટોપ બિઝનેસ નોટિસ જારી કરવામાં આવી હતી, જ્યારે નિયુક્ત અધિકારી દ્વારા ફૂડ બિઝનેસ લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.