Sat Jul 18 2026

Logo

રામ-લીલાના 'મોર બની થનગાટ કરે' ગીત પાછળનું 126 વર્ષ જૂનું રહસ્ય, જાણો ટાગોર અને મેઘાણીનું અદભૂત કનેક્શન...

2026-07-18 20:29:00
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડના જાણીતા ડિરેક્ટર સંજય લીલા ભંસાલીની બ્લોકબસ્ટર ફિલ્મ 'ગોલિયોં કી રાસલીલા: રામ-લીલા'નું ગીત 'મોર બની થનગાટ કરે' આજે પણ લોકોની અને એમાં પણ ખાસ કરીને ગરબાલવર્સની પહેલી પસંદ છે. પરંતુ શું તમે જાણો છો કે આ ગીતનો ઇતિહાસ ૧૨૬ વર્ષ જૂનો છે અને તે રવીન્દ્રનાથ ટાગોરની એક કવિતા સાથે જોડાયેલો છે? ચાલો આજે તમને આ વિશે વિસ્તારથી જણાવીએ...

સૌથી પહેલાં તો વાત કરીએ કે આખરે કેવી રીતે થઈ આ ગીતની શરૂઆત તો આ ગીતની સફર વર્ષ 1900માં શરૂ થઈ હતી, જ્યારે રવીન્દ્રનાથ ટાગોરે શિલાઈદહમાં 'નવવર્ષા' નામની બંગાળી કવિતા લખી હતી. આ કવિતામાં તેમણે વરસાદના આગમનની ખુશીઓ તેમ જ મનના ઉલ્લાસને મોરના નૃત્ય સાથે સરખાવ્યો હતો.

વર્ષ 1920માં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી કોલકાતામાં રવીન્દ્રનાથ ટાગોરને મળ્યા અને આ કવિતા સાંભળી. ટાગોરના શબ્દોથી પ્રભાવિત થઈને ઝવેરચંદ મેઘાણીએ તેને પોતાની માતૃભાષામાં ઢાળવાનું નક્કી કર્યું. એટલું જ નહીં પણ વર્ષ 1944માં તેમણે ટાગોરના કવિતા સંગ્રહના ગુજરાતી અનુવાદ 'રવીન્દ્ર-વીણા'માં આ કવિતાને 'મોર બની થનગાટ કરે' શીર્ષક સાથે પ્રકાશિત પણ કરી. રવીન્દ્રનાથના બંગાળી ગીતને  ચારણી છંદો અને સોરઠી શબ્દોમાં ઢાળ્યા, આજે ઘણા લોકો ભૂલથી આ ગીતને ચારણી સાહિત્યનો ભાગ સમજી લેતા હોય છે.

ઝવેરચંદ મેઘાણીએ આ કવિતાને ગુજરાતી સંસ્કૃતિના રંગમાં એવી રીતે રંગી કે તે એક અસલ ગુજરાતી લોકગીત બની ગયું. પ્રખ્યાત ગાયક હેમુ ગઢવીએ તેને સૌરાષ્ટ્રની પરંપરાગત લોક-ધૂન સાથે જોડીને અમર બનાવી દીધું અને એનું પરિણામ એ આવ્યું કે, 2013માં આ ગીત બોલીવૂડની ફિલ્મ સુધી પહોંચી ગયું અને સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'રામ-લીલા' ફિલ્મમાં તેને ખૂબ જ શાનદાર રીતે ફિલ્માવવામાં આવ્યું. 

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના પૂર્વ અને પશ્ચિમ લોકસંગીતના મિશ્રણથી તૈયાર કરવામાં આવેલું આ ગીતની ધૂનમાં ફિલ્મની દ્રષ્ટિએ અનેક ફેરફાર કરવામાં આવ્યા હતા તેમ છતાં તે આજે પણ દર્શકોના દિલોદિમાગ પર એકદમ તરોતાજા છે. આ ગીતમાં વરસાદી વાતાવરણનું એટલું અદ્ભૂત વર્ણન છે કે સાંભળનારના પગ થિરકવા જ લાગે છે.