અમદાવાદ: આજે ગીરના સાવજો માત્ર ગીર જ નહિ પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી લઈને છેક પાંચાળના ડુંગરાઓ સુધી વિહરે છે. આજે બરડામાં પણ સાવજોની ત્રાડ સંભળાય છે. ગીરમાં સાવજો જંગલના જાનવરો ઉપરાંત માલધારીના માલ-ઢોરના શિકાર કરીને પેટ ભરે છે. પણ શું તમે જાણો છો કે જ્યારે ગીરના સિંહો ગીરના સીમાડા વટાવીને બહાર આવે છે ત્યારે તેઓ શું ખાય છે? તાજેતરમાં જ હાથ ધરવામાં આવેલા એક સંશોધનમાં સિંહો પાલતુ પશુઓનો જ શિકાર કરી નભે છે તે માન્યતાને ખોટી પાડી છે. આંતરરાષ્ટ્રીય પીઅર-રિવ્યુડ જર્નલ 'કન્ઝર્વેશન'માં પ્રકાશિત થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, દરિયાકાંઠાના સિંહો દ્વારા થતા કૂલ શિકારમાંથી લગભગ 70 ટકા હિસ્સો વન્ય જીવોના શિકારનો છે. એટલે કે આ સિંહોનો મુખ્ય શિકાર નીલગાય અને જંગલી ભૂંડ છે.
જો તમે કોઈને પણ પૂછો કે સિંહો ગીર વન્યજીવ અભયારણ્યની બહાર નીકળીને દરિયાકાંઠાના વિસ્તારોમાં કેમ મુક્તપણે ફરી રહ્યા છે, તો સૌથી સામાન્ય જવાબ એ જ મળશે કે, જંગલની બહાર પાલતુ પશુઓ પુષ્કળ હોય છે એટલા માટે સિંહો ત્યાં જાય છે અને આ પાલતુ પશુઓનો શિકાર કરી જીવે છે. જો કે, તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં આ માન્યતા ખોટી ઠરી છે.

પાલતુ પશુઓ કરતાં વન્ય જીવોના શિકાર પર વધુ નિર્ભર
આ અભ્યાસમાં ખુલાસો થયો છે કે, ગુજરાતનાં દરિયાકાંઠે રહેતા એશિયાટિક સિંહો પાલતુ પશુઓ કરતાં વન્ય જીવોના શિકાર પર વધુ નિર્ભર છે. આ તારણો એ વ્યાપક માન્યતાને ખોટી સાબિત કરે છે કે, ગીર જંગલોની બહાર રહેતા સિંહો તેમના અસ્તિત્વ માટે મુખ્યત્વે પાલતુ પશુઓ પર આધાર રાખે છે.
ગુજરાતમાં અત્યારે 891 એશિયાટિક સિંહો
વર્ષ 2025માં યોજાયેલી 16મી સિંહ વસ્તી ગણતરી મુજબ, ગુજરાતમાં અત્યારે 891 એશિયાટિક સિંહો છે. આ સંખ્યા ગુજરાતની વન્યજીવ સંરક્ષણની નીતિને સફળ સાબિત કરે છે. આંતરરાષ્ટ્રીય પીઅર-રિવ્યુડ જર્નલ કન્ઝર્વેશન માં પ્રકાશિત થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, દરિયાકાંઠાના સિંહો દ્વારા કરવામાં આવતા કુલ શિકાર (બાયોમાસ)માંથી લગભગ 70 ટકા હિસ્સો વન્યજીવોમાંથી આવે છે, જે ગીર સંરક્ષિત વિસ્તારની બહાર પણ સિંહોના વિસ્તરી રહેલા વસવાટની શ્રેષ્ઠ ઇકોલોજીકલ તંદુરસ્તી દર્શાવે છે.

64 ટકા હિસ્સો વન્યજીવોનો
જૂનાગઢ વન વર્તુળનાં વન સંરક્ષક અને આ અભ્યાસના સહ-લેખક મોહન રામે જણાવ્યું હતું કે, "અમારા અભ્યાસમાં માર્ચ અને એપ્રિલ 2024 દરમિયાન જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદરના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી એકત્રિત કરાયેલા સિંહોના મળનાં 160 નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, સિંહોના ખોરાકમાં 64 ટકા હિસ્સો વન્યજીવો જેવા કે નીલગાય, જંગલી ભૂંડોનો હતો, જ્યારે 31 ટકા હિસ્સો પાલતુ પશુઓનો હતો,"
તેમણે વધુમાં ઉમેર્યું કે, "તમામ શિકારી પ્રજાતિઓમાં, નીલગાય સિંહોના ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે, જે કુલ વપરાશમાં લેવાયેલા બાયોમાસનાં અડધાથી વધુ હિસ્સો ધરાવે છે. જંગલી ભૂંડ બીજા ક્રમનો સૌથી મહત્વનો વન્ય શિકાર હતો, જ્યારે પાલતુ પશુઓમાં ગાય અને ભેંસ હતા. "ડાયેટરી પેટર્ન ઓફ એશિયાટિક લાયન્સ ઇન ધ કોસ્ટલ ઇકોસિસ્ટમ ઓફ સૌરાષ્ટ્ર, ગુજરાત, ઇન્ડિયા" શીર્ષક ધરાવતો આ અભ્યાસ મોહન રામ, આરાધના સાહુ, નિત્યાનંદ શ્રીવાસ્તવ, કૃતજ્ઞા વદર, રોહિત ચૌધરી અને લહર ઝાલા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને તે કન્ઝર્વેશન જર્નલમાં પ્રકાશિત થયો છે.

ધારણા કરતા તારણો બીજા આવ્યાં
આ સંશોધનનાં તારણો ખૂબ મહત્વના છે. કારણ કે, તે સંશોધકોની મૂળ ધારણા કરતાં તદ્દન વિપરીત છે. સંશોધકો પહેલા એવું માનતા હતા કે, માનવ વસવાટ ધરાવતા દરિયાકાંઠાના વિસ્તારોમાં વન્ય જીવોની અછતને કારણે સિંહો પાલતુ પશુઓ પર વધુ નિર્ભર રહેશે. પરંતુ અભ્યાસના તારણો દર્શાવે છે કે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં નીલગાય અને જંગલી ભૂંડની પુષ્કળ વસ્તી સિંહોને મોટે ભાગે કુદરતી શિકાર પર જ નભવામાં મદદ કરી રહી છે. પરિણામે, પાલતુ પશુઓ પરનું દબાણ ઘટી શકે છે અને માનવ-સિંહ વચ્ચેનું સંઘર્ષ ઘટાડી શકાય છે.
સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે 100થી વધુ સિંહોનો વસવાટ
સંશોધકોએ નોંધ્યું છે કે, દરિયાકાંઠાની ઇકોસિસ્ટમ હવે એશિયાટિક સિંહોની ત્રણ મહત્વની સેટેલાઇટ વસ્તીને આશરો આપે છે — દક્ષિણ-પશ્ચિમ દરિયાઇ પટ્ટી, દક્ષિણ-પૂર્વ દરિયાઇ પટ્ટી અને ભાવનગરની દરિયાઇ પટ્ટી. આ ત્રણેય વિસ્તારો સિંહોના વિસ્તરી રહેલા સામ્રાજ્યનો એક મહત્વનો ભાગ બન્યો છે. આ અભ્યાસ મુજબ, સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે 100થી વધુ સિંહો વસે છે અને પોષે છે.
રખડતા પશુઓ સિંહોનો સરળ શિકાર
આ અભ્યાસ મુજબ, દરિયાકાંઠાના સિંહોનો ખોરાક મોટે ભાગે નીલગાય અને જંગલી ભૂંડ પર કેન્દ્રિત છે. આ બાબત દર્શાવે છે કે શિકારની વિપુલતા અને વસવાટની ગુણવત્તા સિંહોની ખોરાક લેવાની આદતો પર મજબૂત અસર કરે છે. સંશોધકોએ અવલોકન કર્યું કે, ગાય અને ભેંસ સિંહોના ખોરાકનો ભાગ જરૂર છે, પરંતુ તેમાંથી મોટાભાગના પશુઓ રખડતા, ત્યજી દેવાયેલા, પાંકડા ઢોર કે જંગલી બનેલા હોય છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં દૂધ ન આપતા (પાંકડા) પશુઓને છોડી દેવાની પ્રથાને કારણે આવા પશુઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. સિંહો માટે આ પશુઓ સહેલા શિકાર બને છે.