મુંબઈઃ બૉલિવૂડનાં પીઢ અભિનેત્રી અને ફૅશન ડિઝાઇનર અંજુ મહેન્દ્રુએ વર્ષો પહેલાં કલ્પના પણ નહીં કરી હોય કે એક સમય એવો આવશે જ્યારે તેમણે તેમના એકસાથે બે ભૂતપૂર્વ પ્રેમીઓ વિશે મીડિયા સમક્ષ વાતચીત દરમ્યાન અંજલિ આપવી પડશે.
વિખ્યાત સંગીતકાર સ્વ. મદન મોહનના ભાણેજ અંજુ મહેન્દ્રુ 80 વર્ષનાં છે. 1960 અને 1970ના દાયકા દરમ્યાન તેઓ હિન્દી ફિલ્મોના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાના પ્રેમમાં હતા. જોકે એ જ અરસામાં અંજુ અને વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર સર ગૅરી સોબર્સ થોડા સમય માટે રિલેશનશિપમાં હતા. કેટલાક અહેવાલો મુજબ અંજુ અને સોબર્સ સગાઈના બંધનમાં બંધાયા હતા. ત્યારે અંજુ-સોબર્સ વિશે બૉલિવૂડમાં તેમ જ ક્રિકેટ જગતમાં ખૂબ ચર્ચા થઈ હતી. જોકે બન્નેનું પ્રેમ-પ્રકરણ બહુ લાંબો સમય નહોતું ચાલ્યું.

અંજુ અને રાજેશ ખન્ના (કાકા) વચ્ચેના સંબંધો લગભગ દોઢ દાયકા સુધીના હતા. એક સમય એવો આવ્યો જ્યારે અંજુ અને રાજેશ ખન્ના વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી. રાજેશ ખન્નાએ બીજી મશહૂર અભિનેત્રી ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા હતા. જોકે અમુક અહેવાલ અનુસાર રાજેશ ખન્ના પછીથી અંજુ મહેન્દ્રુને વારંવાર મળ્યા હોવાના અને તેમની વચ્ચે ફરી મિત્રતા થઈ હતી.

શુક્રવાર, 17મી જુલાઈએ સર ગૅરી સોબર્સનું બાર્બેડોઝમાં 89 વર્ષની વયે અવસાન થયું હતું. શનિવાર, 18મી જુલાઈએ રાજેશ ખન્નાની 14મી પુણ્યતિથિ હતી. તેમનું 2012ની 18મી જુલાઈએ નિધન થયું હતું. `હસ્તે ઝખ્મ', `જ્વેલ થીફ', `સંઘર્ષ', `ઇન્તકામ' વગેરે જાણીતી ફિલ્મોનાં તેમ જ હિન્દી સિરિયલ `કસૌટી જિંદગી કી'નાં અભિનેત્રી અંજુ મહેન્દ્રુ હવે દર વર્ષે 18મી જુલાઈએ રાજેશ ખન્નાને યાદ કરશે એના અગાઉના દિવસે (17મી જુલાઈએ) સોબર્સને પણ અંજલિ આપશે.