સ્વૉન્સી (વેલ્સ): યુનાઇટેડ કિંગડમ (યુકે)ના હિસ્સા ગણાતા વેલ્સના સ્વૉન્સી શહેરમાં સેન્ટ હેલન્સ સ્ટેડિયમના મેદાન પર 1968ની 31મી ઑગસ્ટે ક્રિકેટની દુનિયાના મહાન ઑલરાઉન્ડર્સમાં ગણાતા સર ગારફીલ્ડ `ગૅરી' સોબર્સે છ બૉલની છ સિક્સરનો નવો ઇતિહાસ રચ્યો હતો અને એ યાદગાર ઘટનાના 58 વર્ષ બાદ તેમણે ફાની દુનિયાને અલવિદા કરી છે.
89 વર્ષના સર ગૅરી સોબર્સે શુક્રવાર, 17મી જુલાઈએ બાર્બેડોઝમાં પોતાના નિવાસસ્થાને છેલ્લા શ્વાસ લીધા હતા. એ સાથે, કૅરિબિયન ક્રિકેટના એક યુગનો અસ્ત થઈ ગયો હતો. તેઓ 1954થી 1974 દરમ્યાન 93 ટેસ્ટ અને એક વન-ડે રમ્યા હતા. 1974માં અંતિમ ટેસ્ટ રમ્યા હતા ત્યારે તેમની ઉંમર 38 વર્ષ હતી.
1968માં સોબર્સના ટેસ્ટ ડેબ્યૂને 14 વર્ષ થઈ ચૂક્યા હતા. તેમણે આંતરરાષ્ટ્રીય મૅચ ઉપરાંત પ્રથમ કક્ષાની મૅચોમાં ઘણી વખત છ બૉલમાં છ સિક્સર ફટકારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ સફળતા તેમને 1968માં વેલ્સમાં સ્વૉન્સીના સ્ટેડિયમના ગ્રાઉન્ડ પર મળી હતી જેમાં તેમણે નૉટિંગમશર વતી ગ્લેમોર્ગન સામેની પ્રથમ કક્ષાની મૅચમાં ઇંગ્લૅન્ડના બોલર માલ્કમ નૅશની ઓવરના છ બૉલમાં છ છગ્ગા ફટકાર્યા હતા.
માલ્કમ નૅશ ખરેખર તો લેફ્ટ-આર્મ મિડિયમ પેસ બોલર હતા, પરંતુ 1968માં તેમના માટે કમનસીબ બનેલી એ મૅચમાં તેમણે લેફ્ટ-આર્મ સ્પિન બોલિંગની અજમાયશ કરી હતી જે તેમને ભારે પડી હતી. ઇતિહાસમાં અંકિત થયેલી એ ઓવરનો પ્રથમ બૉલ નો-બૉલ હતો અને ત્યાર બાદ સોબર્સે છ બૉલમાં છ છગ્ગા ફટકાર્યા હતા. તેમનો એ વિશ્વવિક્રમ 17 વર્ષ સુધી ટક્યો હતો. 1985માં રવિ શાસ્ત્રીએ વાનખેડે સ્ટેડિયમમાં બૉમ્બેની ટીમ વતી રમીને બરોડાના લેફ્ટ-આર્મ સ્પિનર તિલક રાજની એક ઓવરના છ બૉલમાં છ છગ્ગા ફટકારીને ગૅરી સોબર્સના વિશ્વવિક્રમની બરાબરી કરી હતી.
A great innings has come to an end. The finest all rounder I have seen in the game of cricket! RIP Sir Garfield Sobers. 🖤🏏
— Harsh Goenka (@hvgoenka) July 17, 2026
Enjoy his 6 sixes in an over….. pic.twitter.com/TpDulviiUM
છ બૉલમાં છ ચમત્કારિક શૉટઃ છેલ્લા છગ્ગામાં બૉલ પડ્યો બસ સ્ટૉપ નજીક
પ્રથમ બૉલઃ સોબર્સે સ્ટ્રેઇટ શૉટમાં બૉલ સીધો મેદાનની બહાર મોકલ્યો અને ત્યારે તેમને મળી ઓવરની પ્રથમ સિક્સર.
બીજો બૉલઃ લૉન્ગ-ઑન પરથી બૉલ સીધો બાઉન્ડરી લાઇનની બહાર મોકલી દીધો અને સતત બીજી સિક્સર મળી.
ત્રીજો બૉલઃ ઊંચા શૉટમાં બૉલ સીધો એન્ક્લોઝરમાં જઈને પડ્યો અને સોબર્સને ત્રીજી સિક્સર મળી હતી.
ચોથો બૉલઃ વધુ એક બિગ શૉટમાં ચોથી સિક્સર મળી અને વિકેટકીપર સામે જોઈને હસ્યા હતા.
પાંચમો બૉલઃ બાઉન્ડરી લાઇન તરફના ઊંચા શૉટમાં ગ્લેમોર્ગનના ફીલ્ડર રોજર ડેવિસે કૅચ તો ઝીલ્યો હતો, પણ બાઉન્ડરી લાઇન પરના દોરડાને અડી જતાં અમ્પાયરે સિક્સર જાહેર કરી હતી.
છઠ્ઠો બૉલઃ સોબર્સના ફાઇનલ શૉટમાં ડીપ મિડ-વિકેટના સ્થાન પરથી બૉલ સીધો નજીકના બસ સ્ટૉપ પાસે પડ્યો હતો અને સોબર્સે એ છઠ્ઠી સિક્સર સાથે નવો ઇતિહાસ રચ્યો હતો.