Sun Jul 19 2026

Logo

મુંબઈમાં રવિવારે પણ મધ્યમ વરસાદની આગાહી

2026-07-18 22:27:11
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વરસાદે મુંબઈમાં લગભગ એક અઠવાડિયાથી  વધુ સમય સુધી વિરામ લીધા બાદ શુક્રવારથી ફરી ઝરમર શરૂ થયો છે. શનિવારે સવારથી મુંબઈમાં હળવો વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગે વરસાદની પ્રવૃત્તિમાં સુધારો થવાની અને રવિવારે  મુંબઈ સહિત તેના  પડોશી જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે.

ઓટોમેટિક વેધર સ્ટેશનના ડેટા અનુસાર શનિવારે સવારે આઠ વાગ્યા સુધી પૂરા થયેલા ૨૪ કલાકમાં મુંબઈમાં હળવો વરસાદ નોંધાયો હતો. કોલાબા વેધશાળામાં ૧.૨ મિ.મી. અને સાંતાક્રુઝમાં ૩.૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે પૂર્વીય ઉપનગરમાં સૌથી વધુ સરેરાશ ૧૫.૨૭ મિ.મી. વરસાદ પડ્યો હતો, ત્યારબાદ પશ્ર્ચિમ ઉપનગરમાં ૭.૩૧ મિ.મી અને દક્ષિણમાં ૧.૬૭ મિ.મી. વરસાદ પડ્યો હતો.

મુંબઈમાં બે-ત્રણ દિવસથી તડકો અને વાદળિયું વાતાવરણ રહ્યા બાદ શુક્રવારથી ફરી ઝરમર વરસાદ ચાલુ થયો છે. મુંબઈમાં શનિવારે પણ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ  હળવો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે થાણે, રાયગઢ અને પાલઘર માટે યલો અલર્ટ જાહેર કરીને અલગ અલગ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી આપી છે. 

હવામાન નિષ્ણાતોએ અપેક્ષિત વરસાદ માટે અપર-ઍર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો-પ્રેશર સિસ્ટમને જવાબદાર ગણાવ્યું છે, જે આ પ્રદેશમાં ભેજ ખેંચી શકે છે અને વધુ વરસાદનું કારણ બની શકે છે.

નોંધનીય છે કે મુંબઈ પહેલાથી જ ૯૨૦ મિ.મી.ના સરેરાશ માસિક વરસાદને વટાવી ચૂક્યું છે, જ્યારે શનિવાર સુધીમાં ઉપનગરોમાં ૧,૧૫૯ મિ.મી. વરસાદ નોંધાયો છે. નૈર્ઋત્યના ચોમાસાની શરૂઆત મોડી થઈ હોવા છતાં મુંબઈમાં અત્યાર સુધીના મોસમી સરેરાશ કરતાં ૪૭ ટકા વધુ વરસાદ નોંધાયો છે. આ દરમ્યાન મુંબઈમાં શોર્ટ સર્કિટના નવ બનાવો અને વૃક્ષ કે ડાળીઓ ધરાશાયી થવાના આઠ કેસ નોંધાયા છે.