Sat Jul 18 2026

Logo

ખાંડમાં રૂ. 90થી 120ની આગઝરતી તેજી

2026-07-18 20:17:23
Author: Ramesh Gohil
Article Image

ખાંડમાં સટ્ટાકીય તેજી સામે ઈસ્મા અને એનએફસીએસએફ સંગઠનોનો પર્યાપ્ત પુરવઠાનો દાવો ગભરાટભરી ખરીદી અને સંગ્રહખોરીથી દૂર રહેવાની હિસ્સેધારકોને હાકલ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગે્રડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 25ના સુધારા સાથે થયાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ આજે સપ્તાહના અંતે હાજરમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગને ટેકે સ્મોલ તથા મિડિયમ ગે્રડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. 90થી 120ની તેજી આગળ ધપી હતી. નોંધનીય બાબત એ છે કે છેલ્લાં છ સત્ર દરમિયાન સ્મોલ ગે્રડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. 280 થી 298નો મિડિયમ ગે્રડની ખાંડમાં ક્વિન્ટલે રૂ. 250થી 280નો ઉછાળો આવી ગયો છે. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 29થી 30 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની પ્રબળ માગને ટેકે આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હતો. તેમ જ મથકો પાછળ હાજર ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહેતાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 118 અને ઉપલા મથાળેથી રૂ. 110 વધીને રૂ. 4500થી 4572માં તથા મિડિયમ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 90 અને ઉપલા મથાળેથી રૂ. 120 વધીને રૂ. 4552થી 4672માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા. 

જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહેતાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 4440થી 4480માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 4520થી 4600માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હતા.

ખાંડમાં પુરવઠાખેંચની સ્થિતિ સર્જાવાના ભય હેઠળ તાજેતરમાં ખાસ કરીને ગત સોમવારથી આજ રોજ અથવા તો શનિવાર સુધીમાં હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. 280થી 298ની અને મિડિયમ ગે્રડની ખાંડમાં ક્વિન્ટલે રૂ. 250થી 280ની તેજીનો પવન ફૂંકાઈ ગયો છે.જોકે, દેશમાં ખાંડનો પર્યાપ્ત અને સંતોષજનક સ્ટોક હોવાનો સ્થાનિક સંગઠનોએ દાવો કર્યો છે. 

આજે ઈન્ડિયન સુગર ઍન્ડ બાયો એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (ઈસ્મા) અને નેશનલ ફેડરેશન ઑફ કૉ-ઑપરેટિવ સુગર ફેક્ટરીઝ લિ.એ સંયુક્તપણે સરકાર સાથે ચર્ચા કર્યા બાદ હિસ્સેધારકોને સ્થાનિક વપરાશી માગ માટે ખાંડનો પર્યાપ્ત સ્ટોક હોવાથી ગભરાટભરી લેવાલી ન કરવા અથવા તો સટ્ટાકીય પ્રવૃત્તિથી દૂર રહેવાનો અનુરોધ કર્યો છે. 

સરકાર સાથેની વાતચીત દરમિયાન ખાંડ ઉદ્યોગે જણાવ્યું હતું કે આગામી વર્ષ 2026-27ની ખાંડ મોસમમાં કૃષિ પરિસ્થિતિઓ અનુસાર પીલાણ શક્ય એટલું વહેલું શરૂ કરવામાં આવશે. તેમ જ તે પૂર્વે દેશમાં ખાંડનો પર્યાપ્ત સ્ટોક જળવાઈ રહેશે. વધુમાં પીલાણ વહેલુ થવાથી નવી ખાંડની આવકો પણ વહેલી શરૂ થવાથી સ્થાનિક સ્તરે પુરવઠાસ્થિતિ વધુ મજબૂત થશે અને બજારમાં વિશ્વસનીયતામાં વધારો થશે આથી ખાંડની ઉપલબ્ધિ અંગે ચિંતા કરવાનો કોઈ અવકાશ ન હોવાથી સંગઠનોએ બાંયધરી આપી હતી. 

વધુમાં સંગઠનોએ જણાવ્યું હતું કે ઉદ્યોગનું મક્કમપણે માનવું છે કે તાજેતરમાં જોવા મળેલા ભાવવધારાને માગ-પુરવઠાના પરિબળોને ટેકો નથી આપતો. સ્થાનિક સ્તરે પૂરતો સ્ટોક છે ત્યારે અછતનો ભ્રમ ઊભો કરીને અકારણસર બજારમાં ચંચળતા વધારવાથી સ્થાનિકમાં રાબેતા મુજબ ચાલતા વેપાર ખોરવાય છે અને તેને કારણે ગ્રાહકો તથા ઉદ્યોગો પર માઠી અસર પડતી હોય છે. 

આથી ઈસ્મા અને એનએફસીએસએફએ સંયુક્તપણે ટ્રેડરો, હોલસેલરો, સંસ્થાકીય ખરીદદારો, રિટેલરો અને બજારનાં અન્ય સહભાગીઓને અનુરોધ કર્યો છે કે તેઓ સટ્ટાકીય ખરીદી અને  સંગ્રહખોરીથી દૂર રહે તેમ જ ખાંડની ઉપલબ્ધિ અંગેની ગેરમાર્ગે દોરતી માહિતીઓથી દૂર રહે. કેમ કે તેને કારણે કૃત્રિમ અનિશ્ચિતતા ઊભી થવાથી ગ્રાહકો, ખેડૂતો અને ઉદ્યોગના હિત જોખમાતા હોય છે. 

ભારતીય ખાંડ ઉદ્યોગ દેશમાં ખાંડનો અવિરત પુરવઠો વાજબી ભાવથી જળવાઈ રહે તે માટે અને શેરડીના ખેડૂતો તથા ખાંડ મિલોના હિત જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ હોવાનું બન્ને સંગઠનોએ સંયુક્ત યાદીમાં ઉમેર્યું હતું.