Sun Jul 19 2026

Logo

નાનપણમાં અમે સપનું જોતાં કે સોબર્સ જેવા મહાન ક્રિકેટર બનવું છેઃ ગાવસકર

2026-07-18 23:01:23
Author: Ajay Motiwala
Article Image

Sir Garfield Sobers & Sunil Gavaskar


નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝના મહાન ઑલરાઉન્ડર સર ગારફીલ્ડ સોબર્સના શુક્રવારે દેહાંત બાદ સોશ્યલ મીડિયા પર તેમને વિશ્વભરમાંથી અંજલિ આપવામાં આવી હતી. ભારતના બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે જણાવ્યું હતું કે `ધરતી પરના ગે્રટેસ્ટ ક્રિકેટર સોબર્સની જે પ્રતિભા હતી એ જોઈને અમે બધા નાનપણમાં (બૅટ અને બૉલ હાથમાં લીધા હતા ત્યારે) સપનું જોયું હતું કે સોબર્સ જેવા મહાન ખેલાડી બનવું છે.'

ભારતના મહાન ઑલરાઉન્ડર કપિલ દેવે પીટીઆઇને ઇન્ટરવ્યૂમાં કહ્યું, `સર ગૅરી સોબર્સે ક્રિકેટમાં ક્રાંતિ લાવી દીધી હતી. તેઓ જે પરિવર્તન લાવ્યા એને લીધે ક્રિકેટરોનો આ રમત પ્રત્યેનો અભિગમ જ બદલાઈ ગયો હતો. મારું એવું માનવું છે કે જે કોઈ વ્યક્તિ ક્રિકેટ વિશે જાણતી હોય તેને ગૅરી સોબર્સ કોણ એની જાણ હોવી જ જોઈએ. તેઓ જે રીતે ક્રિકેટ રમ્યા અને જે રીતે ક્રિકેટને માણી એના પરથી અમને સૌને પ્રેરણા મળી હતી.'

ભારતના મહાન વિકેટકીપર-બૅટ્સમૅન ફરોખ એન્જિનિયરે જણાવ્યું, `સોબર્સ ગ્રેટેસ્ટ ખેલાડી તો હતા જ, તેઓ એક કમ્પ્લીટ ક્રિકેટર પણ હતા. તેઓ જિનિયસ હતા અને સમગ્ર ક્રિકેટ જગત તેમની વિદાય બદલ શોક પાળશે.'

ભારતના મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકર તેમ જ અન્ય ખેલાડીઓએ પણ સર સોબર્સને શ્રદ્ધાંજલિ આપી હતી.