અમદાવાદ: આજે અમદાવાદ શહેરમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગની દુર્ઘટના સર્જાય છે, જેમાં અંદાજે 9 જેટલા લોકો જીવતા ભૂંજાયા છે, જ્યારે 15 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો મળ્યા છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડની ફટાકડાની ફેક્ટરીમાં એક ભીષણ ધડાકો થયો હતો, જેનો અવાજ 5 કિમી સુધી સંભળાયો હતો. આ ઘટનામાં અનેક શ્રમિકોના મૃતદેહના ભાગ ઊડી ગયા હતા. આ ઘટના બાદ તાત્કાલિક ફાયર, પોલીસ, મનપા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આ દુખદ દુર્ઘટના પર મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ઘટના અત્યંત દુઃખદ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના આત્માને શાંતિ આપે. આ સાથે તેમણે રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને ₹4 લાખ અને ઘાયલોને ₹50,000 ની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી.
અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનાના સમાચાર અત્યંત દુઃખદ છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના આત્માને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું. તેમના પરિવારજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 18, 2026
સ્થાનિક તંત્ર દ્વારા પ્રભાવિતોને તમામ જરૂરી મદદ અને સારવાર…
આ બનાવ અંગે માહિતી આપતા રાજ્ય નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ બનાવની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. આ બનાવની તપાસ JCP ઝોન-2 અમદાવાદને સોંપવામાં આવી છે. જે લોકો ફેક્ટરી ગેરકાયદે રીતે ચલાવતા હતા તેને અને હાજર પરિવારના સભ્યોની અટકાયત કરવામાં આવી છે. આ અંગેની વધુ માહિતી એકત્ર કરવાની કામગીરી રિવ્યૂ બેઠક બાદ શરૂ કરવામાં આવશે તેમજ સહાય આપવા માટે મૃતકોના પરિવારજનો કોણ તે નક્કી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે.
— Harsh Sanghavi (@sanghaviharsh) July 18, 2026
ઈશ્વર મૃતકોના આત્માને શાંતિ અર્પે તથા પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના.
ૐ શાંતિ:🙏🏻
અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલી દુર્ઘટના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંવેદના વ્યક્ત કરી છે અને તેમણે કહ્યું કે અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનામાં લોકોના મોત વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યું છે. દરેક મૃતકના પરિવારને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.