અમદાવાદઃ અમદાવાદ શહેરમાં વરસાદી પાણીનો વ્યય ન થાય અને તેનો વ્યવસ્થિત રીતે ઉપયોગ થાય એ માટે મહત્ત્વનું પગલું કોર્પોરેશન દ્વારા ભરવામાં આવ્યું છે. પાણીના સંગ્રહ માટે આ અભિગમ ઉત્તમ છે.વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ, પાણીના બગાડને અટકાવવા તથા ટકાઉ જળ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આ અભિગમ અંતર્ગત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) હેઠળ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા 8 તળાવોને પરસ્પર જોડવાની મહત્વાકાંક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઇન્ટરલિંકિંગ વ્યવસ્થા દ્વારા એક તળાવમાં તેની સંગ્રહ ક્ષમતા કરતાં વધુ વરસાદી પાણી એકત્ર થાય ત્યારે વધારાનું પાણી જોડાયેલા અન્ય તળાવોમાં પહોંચશે, જેના પરિણામે વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ શક્ય બનશે અને પાણીના બગાડને અટકાવી ટકાઉ જળ વ્યવસ્થાપનને વધુ વેગ મળશે.
આટલા તળાવને જોડવામાં આવ્યા
આ યોજના અંતર્ગત મુમતપુરા તળાવ (14.27 લાખ ઘનફૂટ), સંદેશ પુનિયા તળાવ (4.25 લાખ ઘનફૂટ), કાનાજીયુ-ઓકાફ તળાવ (16.70 લાખ ઘનફૂટ), બેદર તળાવ (5.30 લાખ ઘનફૂટ), મલકાણી તળાવ (2.00 લાખ ઘનફૂટ), શક્રી તળાવ (6.22 લાખ ઘનફૂટ), નવું તળાવ (1.00 લાખ ઘનફૂટ) તથા આઝાદનગર તળાવ (0.50 લાખ ઘનફૂટ)ને પરસ્પર જોડવામાં આવ્યા છે. આ ઇન્ટરલિંકિંગ વ્યવસ્થાના કારણે એક તળાવ તેની સંગ્રહ ક્ષમતા સુધી ભરાઈ જાય ત્યારબાદ તેમાં રહેલુ વધારાનું વરસાદી પાણી આપોઆપ અન્ય જોડાયેલા તળાવોમાં વહી જશે, જેના પરિણામે વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થશે, પાણીનો બગાડ અટકશે અને શહેરમાં જળ સંસાધનોના વધુ કાર્યક્ષમ સંચાલનને પ્રોત્સાહન મળશે.

પાણીના સંગ્રહમાં નોંધપાત્ર વધારો
આ ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટના અમલીકરણથી શહેરમાં વરસાદી પાણીના સંગ્રહમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2026 દરમિયાન અમદાવાદ શહેરમાં વરસાદી પાણી સંગ્રહ ક્ષમતામાં કુલ 50.24 લાખ ઘનફૂટનો વધારો નોંધાયો છે, જે ભવિષ્યમાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ યોજના દ્વારા વરસાદી પાણીનો મહત્તમ ઉપયોગ થશે, ભૂગર્ભ જળસ્તર જાળવવામાં અને વધારવામાં મદદ મળશે તેમજ ભારે વરસાદ દરમિયાન પાણીનું વધુ અસરકારક સંચાલન શક્ય બનશે. સાથે જ શહેરી વિસ્તારોમાં જળ સંરક્ષણ અને પાણી સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં પણ આ પ્રોજેક્ટ મહત્વની ભૂમિકા ભજવશે.
ભવિષ્યમાં નહીં થાય પાણીન તંગી
શહેરી જળ વ્યવસ્થાપન ક્ષેત્રના નિષ્ણાતોના મતે, શહેરના તળાવોને પરસ્પર જોડવાની આવી વ્યવસ્થા ભવિષ્યમાં પાણીની ઉપલબ્ધતા વધારવા માટે અત્યંત અસરકારક સાબિત થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ તળાવોના વિકાસ, ઊંડાણમાં વધારો, કેચમેન્ટ વિસ્તારના સુધારણા તથા વરસાદી પાણીના સંરક્ષણ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. આ નવી પહેલ તે જ દિશામાં એક મહત્વપૂર્ણ અને દૂરંદેશી પગલું છે. શહેરના કુદરતી જળસ્ત્રોતોના સંરક્ષણ, વરસાદી પાણીના મહત્તમ ઉપયોગ અને ભાવિ પેઢી માટે પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કોર્પોરેશન સતત પ્રતિબદ્ધ છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં હાથ ધરાયેલ આ તળાવોનું ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ શહેરમાં ટકાઉ અને આધુનિક જળ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે.