(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ સુરત જિલ્લા પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત ગેરકાયદે વસવાટ કરતા 16 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે 12 મહિલાઓ, ત્રણ પુરુષો અને એક નાની બાળકીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે હવે આ 16 બાંગ્લાદેશીઓને બાંગ્લાદેશ પાછા મોકલી દેવામાં આવ્યાં છે. આ કાર્યવાહી ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત કરવામાં આવી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે, જે પણ લોકો સુરતમાં ગેરકાયદે વસવાટ કરી રહ્યા હતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
ધૂષણખોરો સુરતમાં છુટક મજૂરીનું કામ કરી રહ્યાં હતાં
આ કાર્યવાહી મામલે વિગતો આપતા પોલીસે જણાવ્યું કે, આ બાંગ્લાદેશીઓ સુરત જિલ્લામાં છુટક મજૂરીનું કામ કરી રહ્યાં હતાં. તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે, આ 16 લોકો પશ્ચિમ બંગાળની સરહદ પરથી રાત્રિના સમયે ભારતમાં ઘુસ્યાં હતા. પશ્ચિમ બંગાળથી આ લોકો અલગ અલગ વાહનોથી ગુજરાત આવ્યાં અને પછી સુરતમાં વસવાટ કરવા લાગ્યાં હતાં. અહીં પછી સુરત પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું અને આ ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ બાંગ્લાદેશી હોવાના પુરાવા મળ્યાં તે પછી તેમને પાછા ડિપોર્ટ કરી દેવામાં આવ્યાં છે.
કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ ધૂષણખોરોને ડિપોર્ટ કરાયા
પોલીસે તપાસ દરમિયાન બાંગ્લાદેશી નાગરિકો સાથે પૂછપરછ પણ કરી હતી. આ દરમિયાન તેમના સંપર્કો, બેંકની વિગતો, ઓળખકાર્ડ અને મોબાઈલ ફોનની વિગતોની પણ તપાસ કરવામાં આવી હતી. જ્યારે પોલીસને સંપૂર્ણ રીતે વિશ્વાસ આવ્યો ત્યારે તેમની ધરપકડ કરી લીધી હતી. તે પછી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યાં બાદ દરેકને તેમના વતન મોકલી દેવામાં આવ્યાં હતાં. હજી પણ સુરત પોલીસ દ્વારા ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત તપાસ કરવામાં આવી રહી છે.