ઢાકા: બાંગ્લાદેશમાં થોડા દિવસ પહેલા બાંગ્લાદેશમાં ભગવાન શ્રીરામની 81 ફૂટ ઊંચી પ્રતિમાના નિર્માણનો કટ્ટરપંથીઓએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ હિન્દુ આગેવાનોએ ખૂબ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે હવે આ મામલે ફરી એકવાર ખૂબ મોટો વિવાદ શરૂ થઈ ચૂક્યો છે અને તેનું કારણ છે કે મૂર્તિનું નિર્માણ કરાવી રહેલા હિન્દુ યુવકની જ ધરપકડ કરી લેવામાં આવી છે. આ કાર્યવાહીના વિરોધમાં ઢાકા નેશનલ પ્રેસ ક્લબની બહાર લઘુમતી સમુદાયોએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓનો આક્ષેપ છે કે મૂર્તિ નિર્માણના કાર્યને રોકવા માટે મની લોન્ડરિંગ અને ખોટા કેસોમાં ફસાવીને હરીદાસને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
શું છે સમગ્ર વિવાદ?
હરીદાસ ચંદ્ર ગાયકબંધા જિલ્લામાં ભગવાન શ્રીરામની 81 ફૂટ ઊંચી મૂર્તિનું નિર્માણ કરાવી રહ્યા છે. જો કે બાંગ્લાદેશ CID દ્વારા તેમની 9.35 કરોડ ટકાની શંકાસ્પદ લેણદેણ અને મની લોન્ડરિંગનો આક્ષેપ કરીને ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસનો દાવો છે કે હરીદાસ 2010માં ગેરકાયદે ભારત ગયા હતા અને 2019માં ઇસ્લામ કબૂલ કરી લીધો હતો. જો કે સ્થાનિક કોર્ટ દ્વારા હરીદાસને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા બાદ લઘુમતી સમુદાયોમાં રોષ વ્યાપી ગયો છે.
મળતી વિગતો અનુસાર, બાંગ્લાદેશ હિન્દુ-બૌદ્ધ-ખ્રિસ્તી એકતા પરિષદના નેતૃત્વમાં થયેલા આ વિરોધ પ્રદર્શનમાં સરકારને સીધી ચેતવણી આપવામાં આવી હતી. પરિષદે હરિદાસની ધરપકડની સખત નિંદા કરતા કહ્યું હતું કે સરકારે તેમને જાણી જોઈને ફસાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે લઘુમતી સમુદાય કોઈપણ સંજોગોમાં ભગવાન રામની પ્રતિમા બનાવવા બદલ આ ધરપકડ સ્વીકારશે નહીં.
આ ઉપરાંત પરિષદે બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામે થતી હિંસાના આંકડા પણ રજૂ કર્યા હતા અને જણાવ્યું હતું કે ગયા વર્ષે બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામે અત્યાચારની લગભગ 3,000 ઘટનાઓ નોંધાઈ છે, જેમાં 66 લોકો માર્યા ગયા છે. વધુમાં, ઉગ્રવાદીઓએ અનેક મંદિરોને પણ નિશાન બનાવ્યા છે.