Sat Jul 18 2026

Logo

"કોઈ તાકાત વિદ્યાર્થીઓનો અવાજ નહીં દબાવી શકે": સોનમ વાંગચુક પર રાહુલ ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા

2026-07-18 19:21:25
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: દિલ્હીના જંતર મંતર પર સોનલ વાંગચુકની અનિશ્ચિત કાળની ભૂખ હડતાળ મામલે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે મોદી સરકારના મૂળ સિદ્ધાંતો અસત્ય અને હિંસા પર આધારિત છે. રાહુલે કહ્યું કે સોનમ વાંગચુક જ્યારે અહિંસક ભૂખ હડતાળ પર હતા ત્યારે તેમને જંતર-મંતર પરથી હટાવવા ખોટું હતું. તેમણે સરકારની આ કામગીરીને તેને લોકશાહી અધિકારો પર હુમલો ગણાવતા કહ્યું હતું કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનને બળજબરીથી દબાવવું યોગ્ય નથી.

વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, "પેપર લીક, શિક્ષણનો વધતો ખર્ચ અને વિદ્યાર્થીઓની આત્મહત્યા એ ભારતના ભવિષ્યને લગતા ગંભીર મુદ્દાઓ છે, જેનો સરકારે ગંભીરતાથી ઉકેલ લાવવો જોઈએ. આગળ તેમણે કહ્યું હતું કે કોઈ પણ તાકાત ભારતના વિદ્યાર્થીઓ અને તેમને ટેકો આપનારાઓને આ મુદ્દાઓ ઉઠાવતા રોકી શકશે નહીં. તેમણે લોકશાહી માટે વિદ્યાર્થી અવાજોને આવશ્યક ગણાવ્યા અને આ સમસ્યાઓને ઉકેલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ મામલે કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભલે ગંગા માતાને બચાવવા માટે 111 દિવસના ઉપવાસ પર બેઠેલા પ્રો. જી.ડી. અગ્રવાલ હોય, હરિયાણાના ઓલિમ્પિક પહેલવાન હોય, આપણા 750 ખેડૂતો, દલિતો અને આદિવાસીઓ હોય, કે પછી પેપર લીકનો ભોગ બનેલા 25 બાળકો અને તેમના પરિવારો હોય. આ તાનાશાહી સરકારે કોઈને પણ છોડ્યા નથી. તેમની નજરમાં જે કોઈ પણ પોતાનો અવાજ ઉઠાવે છે તે "રાષ્ટ્રવિરોધી" છે, "પરોપજીવી" છે! આજે જંતર-મંતર પર જે બન્યું તે લોકશાહી અને બંધારણ પરનો બીજો કાળો ડાઘ છે. તેમણે કહ્યું હતું કે  કોટા અને દેહરાદૂનથી "છાત્રોની ગુંજ" શરૂ થઈ ગઈ છે અને દિલ્હીના દરવાજા સુધી જરુર પહોંચશે.