Sat Jul 18 2026

Logo

શું તમે પણ રસ્તા પર લીંબુપાણી પીવાના શોખીન છો? તો આ વીડિયો જોઈને તમે પીવાનું ભૂલી જશો!

2026-07-18 20:56:10
Author: Darshana Visaria
Article Image

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને આ સોશિયલ મીડિયા પર અવારનવાર ખાદ્યપદાર્થ વેચનારા ફેરિયાઓની લાપરવાહીના વીડિયો સામે આવતા હોય છે કે જેને જોઈને આપણે વિચારતા થઈ જઈએ છીએ. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ રસ્તા પરના ફેરિયાઓ પાસેથી ખાવા કે લીંબુપાણી પીવાનું ભૂલી જશો. 

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. આ વીડિયોમાં શિકંજી વેચનાર એક શખ્સ જાહેરમાં જે ગંદકી કરતો જોવા મળ્યો છે, તેણે લોકોના હોશ ઉડાવી દીધા છે. આ વીડિયોને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો લખનઉ રેલવે સ્ટેશન પાસેનો છે, જ્યાં એક શિકંજી વિક્રેતા જાહેર શૌચાલયમાંથી પાણી ભરીને તેને શિકંજીમાં ભેળવતો કેમેરામાં કેદ થયો છે. 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તાના કિનારે પોતાની લારી લઈને ઉભેલો એક ફેરિયો બાલદી લઈને નજીકના જાહેર શૌચાલય તરફ જાય છે. થોડાક જ સમયમાં તે શૌચાલયમાંથી ભરેલી પાણીની બાલદી લઈને પાછો ફરે છે અને લારી પર રહેલી શિકંજીની મોટી ટાંકીમાં બાલદીનું પાણી ઠાલવી દે છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ ઘટનાએ ફરી એકવાર ફૂડ હાઈજીન અને પબ્લિક હેલ્થ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. રસ્તા પર મળતી ખાણી-પીણીની વસ્તુઓની ગુણવત્તા કેટલી જોખમી હોઈ શકે છે, તેનો આ વીડિયો જીવંત પુરાવો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ આ વીડિયો જોઈને સ્તબ્ધ છે અને અધિકારીઓને આ બાબતે કડક તપાસ કરવાની માગ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થતાં જ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કટાક્ષ કરતાં લખ્યું હતું કે આ શિકંજી વેચનારનું એફએસએસએઆઈ સર્ટિફિકેટ તો ચેક કરો! બીજા એક યુઝરે આને 'ખતરનાક ભેળસેળ' ગણાવી છે. કેટલાક યુઝર્સે સવાલ પણ કર્યો છે કે, શું આપણી આસપાસ ખાવા-પીવાની વસ્તુઓ આટલી અસુરક્ષિત છે?

નેટિઝન્સ સંબંધિત અધિકારીઓ પાસે માગણી કરી રહ્યા છે કે આવા ફેરિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે અને લોકો લોકોને રસ્તા પરની ખાણી-પીણી બાબતે સાવધ રહેવાની સલાહ આપી રહ્યા છે.