Sat Jul 18 2026

Logo

અમદાવાદના બાવળામાં ખાણ ખનિજ વિભાગે એક જ દિવસમાં 4.65 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

2026-07-18 21:04:37
Author: Vimal Prajapati
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ખાણ ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનન અને ખનિજ ચોરીની પ્રવૃત્તિઓ પર કડક સપાટો બોલાવવામાં આવ્યો છે. તંત્રની ટીમે બાવળા અને તેની આસપાસના વિસ્તારોમાં આકસ્મિક દરોડા પાડીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે લાલઆંખ કરી છે. આ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન અધિકારીઓએ અંદાજે રૂપિયા 4.65 કરોડની કિંમતની મિલકતો અને વાહનો સીઝ કરતા ખનિજ ચોરોમાં ભારે ફફડાટ મચી ગયો છે. 

બાતમીના આધારે કરવામાં આવી કાર્યવાહી

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, અધિકારીઓની ટીમે બાતમીના આધારે અમદાવાદના મુખ્ય માર્ગો અને હાઈવે પર વોચ ગોઠવી હતી. આ ઓપરેશન દરમિયાન બાવળા-ચાંગોદર હાઈવે પરથી કોઈપણ પ્રકારની પાસ-પરમિટ વિના સાદી રેતી લઈ જતા 4 ડમ્પરોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે રેથલ ગામ વિસ્તારમાંથી બ્લેકટ્રેપ ખનિજ ભરેલું એક ઓવરલોડ ડમ્પર પકડી પાડવામાં આવ્યું હતું. અમદાવાદ રિંગ રોડ પરથી પણ ગેરકાયદેસર રીતે સાદી રેતીનું વહન કરતું વધુ એક ડમ્પર તંત્રની ઝપટે ચડ્યું હતું.

ખનન અને રેતી ચાળવાના 7 મોટા પ્લાન્ટ્સ જપ્ત

ખનિજ વિભાગ દ્વારા નાનોદરા ગામમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અહીં બિનઅધિકૃત રીતે ચાલી રહેલા ખનન અને રેતી ચાળવાના 7 મોટા પ્લાન્ટ્સને તંત્ર દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યા છે. ખાણ ખનિજ વિભાગે ઝડપાયેલા તમામ 6 ડમ્પરો અને સાતેય પ્લાન્ટ્સને સ્થળ પર જ સીઝ કરીને આગળની કાયદાકીય તપાસ શરૂ કરી હતી.  આ કાર્યવાહીના કારણે ખનીજ માફિયાઓમાં ભયનો માહોલ છવાયો હતો.