Tue Oct 06 2026

Logo

ગિલ સાથે રમનારા ખેલાડીની લાંચ આપવા બદલ થઈ ધરપકડ, જાણો વિગત

Colombo   2026-07-18 13:15:00
ગિલ સાથે રમનારા ખેલાડીની લાંચ આપવા બદલ થઈ ધરપકડ, જાણો વિગત

કોલંબોઃ  2018ના અંડર-19 વર્લ્ડ કપમાં શુભમન ગિલ સાથે રમી ચૂકેલા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનજોત કાલરાની શ્રીલંકામાં ધરપકડ કરવામાં આવી હતી. મનજોત લંકા પ્રીમિયર લીગ ટીમ જાફના કિંગ્સનો સહ-માલિક છે. તેના પર લીગની મેચો શરૂ થવાના 10 દિવસ પહેલાં એક ખેલાડીને લાંચ આપીને મેચ ફિક્સિંગ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.

જે ખેલાડીને લાંચ આપવાની કોશિશ થઈ હતી, તેણે તરત જ બોર્ડના ઉચ્ચ અધિકારીઓને આ વાતની જાણ કરી દીધી હતી. શ્રીલંકન પોલીસના જણાવ્યા અનુસાર, જાફના કિંગ્સ ટીમના ખેલાડીઓ ભાનુકા રાજપક્ષે, આવિષ્કા ફર્નાન્ડો અને દુનિથ વેલ્લાલાગે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ એન્ટી-કરપ્શન યુનિટે તપાસ કરીને 17 જુલાઈએ 27 વર્ષીય મનજોત કાલરાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો.

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે તેના નિવેદનમાં જણાવ્યું કે, લંકા પ્રીમિયર લીગ 2026ના સંચાલનકર્તા તરીકે તેઓ ટુર્નામેન્ટની ઈમાનદારી અને વિશ્વસનીયતાની રક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. લીગ સાથે જોડાયેલા કોઈપણ હિતધારક દ્વારા ભ્રષ્ટાચાર, અયોગ્ય આચરણ કે કોઈપણ પ્રકારની ગરબડને બિલકુલ સાંખી નહીં લેવામાં આવે.

બોર્ડે કહ્યું કે, ટુર્નામેન્ટને પારદર્શી માપદંડોને અનુરૂપ સંચાલિત કરવા માટે જરૂરી પગલાં ભરવામાં આવ્યા છે. લીગનું એન્ટી કરપ્શન માળખું વધારે મજબૂત બનાવી શકાય તે માટે એસએલસીનું એન્ટી કરપ્શન યુનિટ સતત સરકારના સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન યુનિટ સાથે મળીને કામ કરી રહ્યું છે. ભ્રષ્ટાચાર અને અનૈતિક ગતિવિધિ સામે ઝીરો ટૉલરન્સ નીતિ લાગુ રહેશે અને ટુર્નામેન્ટની સાખ બચાવવા માટે દરેક જરૂરી પગલાં ભરવામાં આવશે.

કોણ છે મનજોત કાલરા?
મનજોત કાલરા એ 2018ના અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે શાનદાર 101 રનની ઈનિંગ રમીને ભારતને વર્લ્ડ કપ જીતાડ્યો હતો. તે સમયે શુભમન ગિલ અને પૃથ્વી શો પણ તેની સાથે ટીમમાં હતા.