Sat Jul 18 2026

Logo

મુંબઈમાં એફડીએ બાદ હવે બીએમસી પણ જાગી: અસ્વચ્છ ખોરાક પીરસનારાના સામે લાલ આંખ નિયમોનું ઉલ્લંઘન કરનારાના લાઈસન્સ સસ્પેન્ડ કરાશે

2026-07-18 08:18:45
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) હાલ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં જોરદાર કાર્યવાહી કરી રહી છે, તેને પગલે હવે મુંબઈ મહાનગરપાલિકાએ પણ મુંબઈમાં ભેળસેળ કરનારા તથા હોટલ અને રેસ્ટારાં સહિત ખાણી-પીણીની દુકાનોમાં ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને  અસ્વચ્છતા રાખનારાઓ સામે આકરાં પગલાં લેવાની તૈયારી કરી લીધી છે. જો કોઈ ઉલ્લંઘન કરતા જણાઈ આવ્યું તો તેમના લાઇસન્સ સીધા રદ કરવામાં આવવાના છે.

ખાદ્યપદાર્થો સામે મહારાષ્ટ્ર એફડીએની કાર્યવાહી બાદ હવે મુંબઈ મહાનગરપાલિકાએ પણ પોતાની નજર મુંબઈની રેસ્ટોરાં અને ડેરીઓ પર નાખી છે. મુંબઈના મેયર રિતુ તાવડેએ પાલિકાના આરોગ્ય વિભાગને ખાદ્ય સુરક્ષાનાં ધોરણો અને સ્વચ્છતાનાં ધોરણોનું પાલન થાય છે કે નહીં તે શોધવા માટે મુંબઈની તમામ ખાણીપીણીની દુકાનોની તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. મુંબઈમાં વોર્ડ સ્તરે હાથ ધરવામાં આવનારી આ ઝુંબેશ હેઠળ અગાઉ ખાદ્ય સુરક્ષા ધોરણોના ઉલ્લંઘન માટે જેમને નોટિસ આપવામાં આવી છે, તે તમામની રેસ્ટોરન્ટ અને અન્ય ખાણીપીણીની દુકાનોમાં તપાસ શરૂ કરવામાં આવશે.

આ દરમ્યાન ખાદ્ય સુરક્ષાનાં ધોરણોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું જણાઈ આવશે તો તેમના ખાણીપીણીના લાઇસન્સ રદ કરવામાં આવશે.એફડીએ દ્વારા હાલ ચાલી રહેલી કાર્યવાહી બાબતે મેયરે જણાવ્યું હતું કે, એફડીએ જે રીતે કાર્યવાહી કરી રહી છે તે પ્રશંસનીય છે. એ મુજબ જ પાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટના મેડિકલ ઓફિસર દ્વારા રેસ્ટોરાં, હોટલ, ડેરી અને અન્ય ખાણીપીણીની દુકાનો સામે પગલાં લેવા જોઈએ. સમીક્ષા સમીક્ષા બેઠક બાદ ખાદ્ય પદાર્થના સ્ટોલ, હોટલો જેમને અગાઉ નોટિસ આપી છે, તેમની ત્યાં પહેલા ઈન્સ્પેકશન કરવામાં આવશે.

નોંધનીય છે કે મુંબઈમાં ખાણીપીણીનાં ઘરો, રેસ્ટોરન્રાં, દવાની દુકાનો તેમજ દવાઓનું ઉત્પાદન કરતી સંસ્થાઓ, દૂધ અને દૂધની બનાવટોનું ઉત્પાદન કે વેચાણ કરતી ડેરીઓ, મસાલાઓ,  બરફના કારખાનાઓ વગેરે માટે પાલિકાના આરોગ્ય ખાતાનું લાઇસન્સ ફરજિયાત છે.